
દેવમોગરા ધામના દર્શન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જાણો મંદિરનો પૌરાણિક ઇતિહાસ
તાહિર મેમણ- ડેડીયાપાડા- 13/11/2025 – ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આદિજાતિ સમુદાયના પરાક્રમ, બલિદાન અને સાંસ્કૃતિક વારસાને જન-જન સુધી પહોંચાડવા માટે વડાપ્રધાનએ 15 નવેમ્બરને ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો હતો. આ વર્ષે જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી વડાપ્રધાનની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે થશે. નર્મદા જિલ્લાની મુલાકાત દરમ્યાન વડાપ્રધાનશ્રી પ્રસિદ્ધ યાહા મોગી દેવમોગરા ધામ ખાતે માતાજીના દર્શન કરશે. સાતપુડાની ગિરિમાળામાં આવેલું પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે મનમોહક આ ધામ આદિજાતિ સમાજના લોકોની આસ્થા શ્રદ્ધાનું કેન્દ્ર છે, જેનો મહિમા અનેરો છે.
સાતપુડાની ગિરિમાળાની વચ્ચે આવેલું પૌરાણિક મંદિર દેવમોગરા ધામ-નેપાળના પશુપતિનાથ જેવું બહારથી દેખાય છે
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે આદિજાતિઓના કુળદેવી પાંડોરી માતા (યાહમોગી)નું મંદિર આવેલું છે. સાતપુડાની ગીરીકંદરાઓમાં પ્રકૃતિના ખોળે વસેલા આ ધામમાં સ્વયંભૂ યાહા પાંડોરી દેવમોગરા માતા આદિ-અનાદિ કાળથી સ્વયં કણી-કંસરી બિરાજમાન છે. અહીં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનનાં આદિજાતિ સમુદાયના લોકો યાહામોગી પાંડોરીની કુળદેવી તરીકે અપાર શ્રદ્ધા-આસ્થા અને ભક્તિ સાથે પૂજા અર્ચના કરે છે. આ પવિત્ર હેલાદાબની આદિ-અનાદિ કાળથી ખૂબ અનેરો મહિમા રહ્યો છે.
સાગબારા તાલુકાના દેવમોગરા ગામે આવેલ આ મંદિરમાં અનેક પેઢીઓથી લાખો ભક્તો માતાજીના ચરણોમાં શ્રદ્ધા અને ભક્તિ સાથે તેમની સમસ્યાઓ અને દુઃખોના ઉકેલ મેળવવા માટે આવે છે. મંદિરના પુજારી દ્વારા માતાજીને આહ્વાન કરવામાં આવે છે અને આશીર્વાદ આપીને દરેક વ્યક્તિના કલ્યાણની મંગળકામના કરવામાં આવે છે. માતાજીના ચરણોમાં જે પણ વ્યક્તિ રડતો આવે છે, દુઃખી માણસ તે હસતાં હસતાં પાછો ફરે છે.
આદિવાસી લોકસંસ્કૃતિના અનોખા દર્શન કરાવે છે મહાશિવરાત્રિનો મેળો દેવમોગરા ખાતે જ્યાં રાજા પાંઠા-વિનાદેવનું સ્થાનક છે, ત્યાં દર વર્ષે મહાશિવરાત્રિ પર એક ભવ્ય ગઢ યાત્રા યોજવામાં આવે છે. આ યાત્રામાં પરંપરાગત વાજિંત્રો અને નૃત્ય સાથે માતાજીને ગઢમાં જંગલો-પર્વતોની વચ્ચે આવેલા કુદરતી ઝરણામાં સ્નાન કરાવવામાં આવે છે. એટલું જ નહીં, માતાજીની પૂજા કરીને આગામી વર્ષ માટે ખેતીવાડી તથા વરસાદ, હવામાનનો (હોલકો ઠોકીને) વરતારો લેવામાં આવે છે. હજારો શ્રદ્ધાળુઓ આ મુજબ તેમની ખેતીવાડીનું આગોતરું આયોજન કરે છે. મેળા દરમિયાન માતાનાં આંગણામાં આવેલ કાકળનાં વૃક્ષ પર એક જ રાતમાં ફૂલો આવી જાય છે. સવારે ભક્તો તેના દર્શન કરે છે અને જે દિશામાં સૌથી વધુ ફૂલો હોય એ દિશામાં વર્ષ દરમ્યાન ખેતીવાડીનું કામ સારું થશે તેવું માને છે.
દર વર્ષે મહા વદ અમાસ અને મહાશિવરાત્રીનાં આગલા દિવસથી સળંગ પાંચ દિવસ સુધી ભરાતો આ મેળો આદિવાસી લોકસંસ્કૃતિના અનોખા દર્શન કરાવે છે. આ મેળામાં લાખો ભક્તો માતાજીના દર્શન માટે ભેગા થાય છે, જે ખરેખર આહ્લાદક દ્રશ્ય હોય છે. આ મંદિરમાં ડાબી બાજું શ્યામવર્ણી મહાકાલી માતાની મૂર્તિના પણ લોકો ભાવથી દર્શન કરે છે. આમ એકજ મંદિરમાં બે માતાજી બિરાજમાન છે.




