
કલેક્ટર સુશ્રી અર્પિત સાગર દ્વારા ‘ઉલ્લાસ’ સાક્ષરતા અભિયાનનું સ્થળ નિરીક્ષણ સાથે પાંખી-પટ્ટણ ગામમાં લાભાર્થીઓ સાથે સીધો સંવાદ
***

મહીસાગર જિલ્લામાં જ્ઞાનની જ્યોત પ્રગટી:નિરક્ષરતા નાબૂદી માટે ‘ઉલ્લાસ’ અભિયાનની કામગીરી ચકાસવા કલેક્ટરની મુલાકાત
**
અમીન કોઠારી મહીસાગર
મહીસાગર જિલ્લામાં નિરક્ષરતાને દૂર કરવા માટે શરૂ કરાયેલા મહત્વાકાંક્ષી “ઉલ્લાસ” નવભારત સાક્ષરતા અભિયાનની કાર્યપ્રણાલીનું મૂલ્યાંકન કરવા માટે જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે લુણાવાડા તાલુકાના વિસ્તારોની મુલાકાત લીધી હતી. કલેક્ટરશ્રીએ આ અભિયાન અંતર્ગત ચાલતી કામગીરીનું સ્થળ પર નિરીક્ષણ કરીને તેની અસરકારકતા ચકાસી હતી.
કલેક્ટર સુશ્રી અર્પિત સાગર દ્વારા લુણાવાડા તાલુકાના પાંખી અને પટ્ટણ ગામની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન, તેમણે સાક્ષરતા કેન્દ્રોની મુલાકાત લીધી હતી અને શિક્ષણ મેળવી રહેલા અશિક્ષિત ભાઈઓ તથા બહેનો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. આ સંવાદ થકી તેમને મળી રહેલા શિક્ષણની ગુણવત્તા, શિક્ષકોની પદ્ધતિઓ અને લાભાર્થીઓના પ્રતિભાવો વિશે વિસ્તૃત માહિતી મેળવવામાં આવી હતી.
અશિક્ષિત લાભાર્થીઓએ કલેક્ટરશ્રી સમક્ષ વાંચન, લેખન અને ગણન જેવી પાયાની બાબતો શીખવામાં મળી રહેલી સફળતા અને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. કલેક્ટરશ્રીએ ખાસ કરીને ગ્રામીણ સ્તરે સાક્ષરતાના પ્રસાર માટે ચાલી રહેલા સકારાત્મક પ્રયાસો અને લાભાર્થીઓના ઉત્કૃષ્ટ પ્રતિભાવની સરાહના કરી હતી.
આ મુલાકાત મહીસાગર જિલ્લા વહીવટી તંત્રની “ઉલ્લાસ” અભિયાન પ્રત્યેની ગંભીરતા અને પ્રતિબદ્ધતા દર્શાવે છે. કલેક્ટરશ્રીએ જિલ્લામાં સાક્ષરતાનો દર વધારવા અને દરેક નાગરિકને જ્ઞાનનો લાભ મળે તે સુનિશ્ચિત કરવા માટે તમામ સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો.




