બોડેલી તાલુકાના મગનપુરા ખાતે રસ્તાની ખરાબ હાલત સામે 20 ગામોના ગ્રામજનોનું રસ્તા રોકો આંદોલન



બોડેલી–કવાંટ રોડ પર મગનપુરા ગામના બસ સ્ટેન્ડ નજીક આજે આસપાસના લગભગ 20 ગામોના ગ્રામજનો, સરપંચશ્રીઓ તથા સ્થાનિક આગેવાનો દ્વારા રસ્તાની દયનીય સ્થિતિને લઈને રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. લાંબા સમય થી ઊંડા ખાડા, તૂટેલા ભાગો અને વરસાદી પાણી ભરાઈ જવાની મુશ્કેલીઓને લઈને ગ્રામજનો અનેક વખત તંત્રને રજૂઆતો કર્યા છતાં કોઈ ઠોસ કાર્યવાહી ન થતા ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.આંદોલન દરમ્યાન ગ્રામજનોએ જણાવ્યું કે રસ્તાની ખરાબ હાલતને કારણે અકસ્માતોનો ખતરો વધી ગયો છે. વિદ્યાર્થીઓને શાળા–કોલેજ જવામાં ભારે મુશ્કેલી પડે છે, તેમજ દર્દીઓને હોસ્પિટલ સુધી લઈ જવામાં પણ મોટો જોખમ ઉભો થાય છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ તંત્રની અળસ તથા બેદરકારીના કારણે રોજિંદી જિંદગી પર ગંભીર અસર પડી રહી છે.સરપંચશ્રીઓએ ચેતવણી આપી કે જો તંત્ર તાત્કાલિક રસ્તા સુધારણા કાર્ય શરૂ નહીં કરે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. બીજી તરફ, સ્થાનિક તંત્રના અધિકારીઓ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિ શાંત કરવાની કોશિશ કરી હતી અને રોડના સમારકામ માટે જરૂરી પગલાં ટૂંક સમયમાં હાથ ધરવાની ખાતરી આપી હતી.ગ્રામજનોએ અંતે સ્પષ્ટ કર્યું કે રોડ સુધારણા પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમનો સંઘર્ષ ચાલુ જ રહેશે.
રિપોર્ટર તોસીફ ખત્રી બોડેલી






