ભાણવડમાં બીઆરસી ભવન ખાતે તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું

માહિતી બ્યુરો, દેવભૂમિ દ્વારકા
ભાણવડમાં બીઆરસી ભવન ખાતે તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું. વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત માટે (STEM) થીમ આધારિત ભાણવડ તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાંથી સી.આર.સી કક્ષાએથી પસંદ થયેલ વિભાગો જેવા કે ટકાઉ ખેતી, કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો, ગ્રીન એનર્જી, વિકસિત નવીન ટેકનોલોજી, મનોરંજક ગણિત મોડેલ, આરોગ્ય અને સ્વચ્છતા, જળ સંરક્ષણ અને વ્યવસ્થાપનમાં કુલ ૬૨ કૃતિઓએ ભાગ લીધો હતો. જેમાં કુલ ૧૧૨ સ્પર્ધકો અને માર્ગદર્શક શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
ભાણવડ તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી કે.એમ.નંદાણીયા દ્વારા આ પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિષય પ્રત્યે રસ રુચિ સાથે આધુનિક સમયમાં ઇનોવેશન અને સ્ટાર્ટઅપ પોલિસી અંતર્ગત વિવિધ મોડેલોએ આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં આકર્ષણ વધાર્યું હતું. ભાણવડ શહેર અને તાલુકાની શાળાના વિદ્યાર્થીઓએ પણ આ પ્રદર્શન નિહાળવાનો લાભ લીધો હતો. આ પ્રદર્શનને સફળ બનાવવામાં બી. આર.સી ભવનના સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.






