GUJARATTHARADVAV-THARAD

ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી ખોડા ખાતે યોજાઈ

વાત્સલ્યમ્ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ વાવ થરાદ

 

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને થરાદ તાલુકાના ખોડા ખાતે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતી અંતર્ગત આદિવાસી સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે લાભાર્થીઓને સરકાર ની વિવિધ યોજનાઓ અંતર્ગત લાભ વિતરણ કરાયા હતા

 

આ કાર્યક્રમમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાજી આદિવાસી સમાજના પ્રેરણાસ્રોત અને આદર્શ વ્યક્તિત્વ રહ્યા છે. તેમણે પોતાના જીવન દ્વારા ધર્મ, સંસ્કૃતિ અને આદિવાસી ઓળખને જાળવી રાખવા અવિરત પ્રયત્નો કર્યા હતા. ભગવાન બિરસા મુંડાએ નાની ઉંમરમાં આશ્રમ સ્થાપીને લોકોની સેવા સાથે સમાજમાં રહેલા કુરિવાજો અને અંધશ્રદ્ધાને દૂર કરવા માટે તેમણે જનજાગૃતિ ફેલાવી હતી.

 

અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, ભગવાન બિરસા મુંડાએ શિક્ષણના પ્રસાર માટે વિશેષ મહત્વ આપ્યું હતું અને વ્યસનમુક્તિ માટે અભિયાન ચલાવીને સમાજ સુધારાનું કાર્ય કર્યું હતું. તેમણે આશ્રમની સ્થાપના કરીને સમાજને એક નવી દિશા આપી હતી, જે આજની યુવા પેઢી માટે પ્રેરણા આપે છે. ભગવાન બિરસા મુંડાએ અનેક મુશ્કેલીઓ વેઠીને અગ્રેજ સરકારની દમન નીતિઓ સામે અવાજ ઉઠાવ્યો હતો. હાથમાં તીર કામઠા લઈને અંગ્રેજો વિરુદ્ધ લડત આપી હતી તથા સમાજને એક કરવાનું કામ કર્યું હતું. દેશની સ્વતંત્રતા માટે આદિવાસી બાંધવો એ પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હતા. તેમનું બલિદાન આજની પેઢી માટે પ્રેરણાસ્ત્રોત છે.

 

અધ્યક્ષ એ જણાવ્યું કે, આઝાદી માટે આદિવાસી યુવાનોની સંઘર્ષ ગાથા ઇતિહાસના પાના ઉપર લખાયેલી નહોતી પરંતુ આઝાદીના આટલા વર્ષો પછી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ ઇતિહાસને દુનિયાની સમક્ષ મૂક્યો છે. આદિવાસી સમાજના વીર નાયકોના સ્વાતંત્ર્ય ઇતિહાસને દુનિયા સમક્ષ મૂકવાનું કામ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે.તેમના સંઘર્ષમય જીવનમાંથી આપણે રાષ્ટ્રીય એકતા, આત્મસન્માન અને ન્યાય માટે લડવાની પ્રેરણા મેળવી શકીએ છીએ. ભગવાન બિરસા મુંડાનું યોગદાન ભારતના ઈતિહાસમાં અમર રહેશે તેમ જણાવ્યું હતું.

 

આ કાર્યક્રમમાં વાવ થરાદ જિલ્લાના કલેકટર જે.એસ.પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા, નિવાસી અધિક જિલ્લા કલેક્ટર ટી.કે.જાની, પ્રવિણસિંહ એચ પરમાર

આદિજાતિ વિકાસ વિભાગની કચેરી પાલનપુર સાંસદ પરબત પટેલ, જિલ્લા અગ્રણી કનુભાઈ વ્યાસ સહિતના આગેવાનો અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!