GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: “રાજકોટમાં ‘તમારી મૂડી, તમારા અધિકારો’ અભિયાનનો શુભારંભ: કુલ ૫૬૫ ખાતેદારોને રૂ. ૪.૨૨ કરોડની રકમ પરત કરાઈ

તા.14/11/2025

વાત્સલયમ્ સમાચાર

“દેશવ્યાપી અનક્લેઇમ્ડ રકમ સમાધાન અભિયાન: રાજકોટમાં ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહની હાજરીમાં લાભાર્થીઓને કરોડોની રકમ પરત અપાય

લોકો બેંકમાં રૂપિયા નહીં પરંતુ તેમનો વિશ્વાસ મૂકે છે.

ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ

“ભૂલાયેલું ધન હવે તમારા હાથમાં પરત આવશે : નિષ્ક્રિય થાપણો ફરી અર્થતંત્રમાં સક્રિય બનશે

શ્રી સચિન પાટીદાર, પ્રતિનિધિ, રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા

Rajkot: દેશના તમામ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓકટોબરથી ડિસેમ્બર ર૦૨પ દરમિયાન નાણાકીય ક્ષેત્રમાં દાવા વગરની સંપત્તિના સરળ અને ઝડપી સમાધાન માટે લીડ બેંક, રાજકોટની આગેવાની હેઠળ “તમારી મૂડી, તમારા અધિકારો” વિષયક નાણાકીય જાગૃતિ કેમ્પનું આયોજન એન્જિનિયરિંગ એસોસિએશન હોલ, ભક્તિનગર સ્ટેશન પ્લોટ ખાતે ધારાસભ્યશ્રી દર્શિતાબેન શાહની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી દર્શિતાબેન શાહે જણાવ્યું હતું કે, બેન્ક હમેશા રૂપિયા લેવા માટે ફોન કરે, પરંતુ પહેલી વાર બેન્ક રૂપિયા પાછા આપવા ફોન કરે છે. આવું માત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જ બની શકે છે. લોકો બેંકમાં રૂપિયા નહીં પરંતુ તેમનો વિશ્વાસ મૂકે છે કે તેમની થાપણ બેંકમાં સલામત રહેશે. લોકોના ખાતામાં સીધા રૂપિયા જમા કરવાનું સ્વપ્ન પ્રધાનમંત્રીશ્રી મોદીએ જોયું અને લીડ બેન્ક તથા અન્ય બેન્કોએ તે સ્વપ્ન સાકાર કરીને બતાવ્યું છે. બેંકમાં રહેલી નિષ્ક્રિય અથવા ભૂલાઈ ગયેલી થાપણો વ્યક્તિને પરત સોંપતા ફરીવાર તે દેશના અર્થતંત્રમાં ફરતા થશે.

ભારત સરકારના નાણા મંત્રાલયના જણાવાયા મુજબ તા. 30/06/2025 સુધી રૂ. 67,000 કરોડની અન્કલેઇમ્ડ રકમ રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા પાસે જમા છે. SEBI, PFRDA અને IRDA પાસે રુ. 1,85,000 કરોડથી વધુ રકમ વિવિધ ખાતાઓમાં અનક્લેઇમ્ડ સ્વરૂપે પડી છે.

ધારાસભ્યશ્રી દર્શિતાબેન તથા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા લાભાર્થીઓને પ્રમાણપત્રો અને સેટલમેન્ટની રસીદોનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લામાં આજરોજ કુલ ૫૬૫ ખાતેદારોને કુલ રૂ. ૪.૨૨ કરોડની રકમ વિવિધ બેંકો દ્વારા પરત કરવામાં આવી હતી. તે ઉપરાંત, LIC (એલ.આઇ.સી.) દ્વારા રૂ. ૯.૬૫ લાખની રકમ સીધી જ લાભાર્થીઓને પરત કરવામાં આવી હતી.

આ પ્રસંગે રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા પ્રતિનિધિ શ્રી સચિન પાટીદારે જણાવ્યું હતું કે, નાણાં વિભાગ હસ્તકની જુદી જુદી સંસ્થાઓ જેવી કે પેન્શન ફંડ રેગ્યુલેટરી અને ડેવલપમેન્ટ ઓથોરિટી, ભારતીય વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ, ભારતીય સિક્યોરિટીઝ અને એક્સચેન્જ બોર્ડ, ભારતીય જીવન વીમા નિગમ સહિતની અન્ય સંસ્થાઓ પાસે રૂ. ૧ લાખ ૮૫ હજાર કરોડ જેટલી જૂની, નિષ્ક્રિય અથવા ભૂલાઈ ગયેલી થાપણો પડી છે. ૧૦ વર્ષ બેંક ખાતાનો ઉપયોગ ન થાય તથા તેમાં વારસદારનો ઉલ્લેખ ન હોય તેવા ખાતામાં રહેલી રકમ રિસર્વ બેન્ક પાસે જમા થાય છે. જે પરિવારના કોઈ સદસ્યનું ખાતું બેંકમાં છે અને તેના નાણાં લેવાના બાકી છે તેઓએ આર. બી. આઈ. ના ‘ઉદગમ પોર્ટલ’ તથા શેરબજાર કે મ્યુચુઅલ ફંડમાં કરેલ રોકાણની વિગતો મેળવવા માટે ‘મિત્ર પોર્ટલ’ પર લૉગઇન કરવાનું રહેશે.

નાગરિકોને તેમની જૂની, નિષ્ક્રિય અથવા ભૂલાઈ ગયેલી થાપણો પરત આપવાના કાર્યક્રમો રાજકોટ, અમદાવાદ, આનંદ, ખેડા, બરોડા અને સુરત માં તબક્કાવાર યોજાશે. આ પહેલની શરૂઆત નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણ દ્વારા ૪ ઓકટોબરના રોજ ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લાની તમામ બેન્ક, એલ.આઈ.સી. તથા વિવિધ નાણાકીય સંસ્થાઓ દ્વારા ગ્રાહકોને શોધી તેમની ખરાઈ કરી રૂ. ૧૩૯ કરોડની રકમ ગ્રાહકોને પરત આપવાની શરૂઆત કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લા કલેકટરની ઈ-ધરા શાખાને પણ રૂ. ૨ લાખ થી વધુની રકમ પરત કરવામાં આવી હતી.

આ પ્રસંગે યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના ડાઇરેક્ટર જનરલ મેનેજર શ્રી સરોજ કુમાર રાઉત, બેંક ઓફ બરોડા ડાઇરેક્ટર જનરલ મેનેજર શ્રી મનુ મિતલ, બેંક ઓફ ઇન્ડિયાના આસિસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી આસુતોષ અરુણ, નાબાર્ડના પ્રતિનિધિ શ્રી ધર્મેન્દ્ર ચૌહાણ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આસિસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી રવિ શંકર, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિ શ્રી શંકર ઐયર, શ્રી નવીનકુમાર સિંહ સહિતના અધિકારીઓ કર્મચારીઓ તથા લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!