BANASKANTHAGUJARATPALANPUR

વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં વાવ-થરાદ જિલ્લામાં શિક્ષણક્ષેત્રે નવી લોક કલ્યાણકારી પહેલનો પ્રારંભ કરાયો

15 નવેમ્બર જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા

ભાભર તાલુકાના કુંવાળા પ્રાથમિક શાળા ખાતેથી બાળકો સાથે મધ્યાહન ભોજન લેવાની પહેલનો પ્રારંભ કરાયો.જિલ્લાના ૧૦૦ અધિકારીઓ દર અઠવાડિયે આંગણવાડી અને શાળામાં જઈને બાળકો સાથે કરશે મિડ-ડે મિલ આ પહેલ વાવ-થરાદ જિલ્લાના શિક્ષણ અને પોષણ ક્ષેત્રે પરિવર્તનનો નવો અધ્યાય લખશે:- અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી.વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં વાવ- થરાદ જિલ્લામાં શિક્ષણક્ષેત્રે નવી અને લોક કલ્યાણકારી પહેલનો પ્રારંભ કરાયો હતો. વાવ – થરાદ જિલ્લાના ભાભર તાલુકાના કુંવાળા પ્રાથમિક શાળા ખાતેથી જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં બાળકો સાથે મધ્યાહન ભોજન લેવાની પહેલનો પ્રારંભ કરાયો હતો. વાવ- થરાદ જિલ્લાના અધિકારીશ્રીઓ હવે આંગણવાડી અને શાળાના વિદ્યાર્થીઓ સાથે ભોજન કરશે.
આ પ્રસંગે અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, વાવ-થરાદ જિલ્લા વહીવટી તંત્રના ૧૦૦ જેટલા કલાસ ૧ અને ૨ના અધિકારીશ્રીઓ દર અઠવાડિયે શાળા અને આંગણવાડીની મુલાકાત લઈને બાળકો સાથે મધ્યાહન ભોજન કરશે. અધિકારીશ્રીઓ મધ્યાહન ભોજન સાથે શાળાના શિક્ષણની ગુણવત્તા ચેક કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પડશે. જિલ્લા વહીવટી તંત્રની આ પહેલ મધ્યાહન ભોજનની ગુણવત્તા જ નહિ પરંતુ શાળાના શૈક્ષણિક માળખા, ગુણવત્તા સુધારણા અને સુવિધાઓ અંગે પણ માર્ગદર્શક સૂચનો મળી રહેશે.
અધ્યક્ષશ્રી અને મહાનુભાવોએ સ્વયં બાળકો સાથે મધ્યાહન ભોજન કરીને આ પહેલનો પ્રારંભ કરાવ્યો હતો ત્યારે આ પહેલ બાળકોના શિક્ષણ, પોષણ તેમજ તંદુરસ્ત ભવિષ્ય માટે મોટી ઉપલબ્ધિ સાબિત થશે. વાવ–થરાદ જિલ્લામાં હાલ ૧૦૯૦ આંગણવાડીઓ અને ૯૦૮ પ્રાથમિક શાળાઓ કાર્યરત છે. નવા અભિયાન હેઠળ અધિકારીઓ બાળકોના કુપોષણથી લઈને શાળાની અન્ય તમામ બાબતોનું મૂલ્યાંકન પણ કરશે. ભાભરના કુંવાળાથી શરૂ થયેલી આ પહેલ આગામી સમયમાં વાવ–થરાદ જિલ્લાના શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ ક્રાંતિ સાબિત થશે. આ કાર્યક્રમમાં સાંસદ શ્રીમતી ગેનીબેન ઠાકોર, જિલ્લા કલેકટરશ્રી જે.એસ.પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કાર્તિક જીવાણી સહિત વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ, સહકારી આગેવાનો, શિક્ષકગણ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!