અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પી.સી. બરંડાના અધ્યક્ષસ્થાને “જનજાતિય ગૌરવ દિવસ”ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી અંતર્ગત યોજાયો કાર્યક્રમ
ભારતના ભવ્ય અને દિવ્ય ઈતિહાસમાં ધરતી આબા તરીકેનું અનોખું સ્થાન પ્રાપ્ત કરનાર અને અંગ્રેજોના દમન સામે પ્રચંડ લડત આપનાર એવા ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ભારતમાં આ વર્ષ ‘જનજાતિય ગૌરવ વર્ષ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘જનજાતિય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાની પરંપરા શરૂ કરાવીને સમગ્ર આદિવાસી સમુદાયને ગૌરવ અપાવ્યું છે
આજરોજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત ખેરંચા સ્થિત સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ ખાતે ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે આદિજાતિ વિકાસ વિભાગ અને અન્ન અને નાગરીક પૂરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પી. સી. બરંડાના અધ્યક્ષસ્થાને અને સાંસદ શોભનાબેન બારૈયાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.
આજના કાર્યક્રમમાં મકાન સહાય યોજના, બકરા ઉછેર યોજના, મંડપ યોજનાના લાભાર્થીઓને મંજૂરી હુકમો એનાયત કરવામાં આવ્યા હતા. સાથેજ જિલ્લાના આદિજાતિના રમતવીરો અને તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. લોકોએ નર્મદા ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જીવંત પ્રસારણને પણ નિહાળ્યું હતું.
આજના કાર્યક્રમમાં સંબોધન કરતા સાંસદ શોભનાબેન બારૈયાએ જણાવ્યું કે છેવાડાના માનવીને તમામ લાભ મળે, અંતિમ હરોળમાં રહેલા માનવીઓને પ્રથમ હરોળમાં લાવી તેમના વિકાસ માટે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત કાર્યરત છે. આજે આપણે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી માટે આપણે આજે એકત્ર થયા છીએ. માત્ર ૨૫ વર્ષની ઉંમરે પોતાની જિંદગી ગુમાવનાર ભગવાન બિરસા મુંડાના ૧૫૦ તે સમયના વિચારો આજે પણ એટલા જ આદર્શ છે. શિક્ષણ, આરોગ્ય કુટેવો છોડવાના તેમના વિચારો આજે પણ આપણને માર્ગ ચીંધે છે. તેમના જ વિચારોને આગળ વધારીને સરકાર આજે સતત વિવિધ યોજનાઓ દ્વારા પ્રયત્નો કરી રહ્યા છે.
ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મજયંતિની આજે ભવ્ય ઉજવણી થઈ રહી છે.જનજાતિય લોકો માટે સરકાર ખૂબ જ ઉમદા કાર્ય કરી રહી છે. ભગવાન બિરસા મુંડાએ તે સમયે અંગ્રેજો સામે લડત ચલાવી હતી અને એ લડત દરમિયાન જ તેમનું મૃત્યુ થયું હતું. તમામ જનજાતીય સમુદાયના લોકો માટે તેમનું જીવન પ્રેરણાદાયી બની રહ્યું છે. આજે સરકાર આદિજાતિના નાનામાં નાના માણસને પણ ઉત્કૃષ્ટ જીવન તરફ દોરી જવા માટે પ્રયત્નશીલ છે.તેમણે પોતાના સંબોધનમાં આદિજાતિના લોકો પર અંગ્રેજોએ કરેલા અત્યાચારોને પણ યાદ કર્યા. શિક્ષણ, રોડ રસ્તા, આરોગ્ય જેવા તમામ ક્ષેત્રોમાં આજે આપણે અગ્રેસર છીએ
આજના કાર્યક્રમમાં જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીક, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર, મોડાસા ધારાસભ્ય ભીખુસિંહ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી દિપેશ કેડિયા, જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક રાજેશ કુચારા સહિતના અધિકારી અને જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ સાથેજ મોટી સંખ્યામાં લોકોએ લોકભાગીદારી નોંધાવી હતી.








