MORBI :કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મોરબી જિલ્લા ભાજપના નવનિર્મિત કાર્યાલય ‘કમલમ્’નું ઉદ્ઘાટન કરશે

MORBI :કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મોરબી જિલ્લા ભાજપના નવનિર્મિત કાર્યાલય ‘કમલમ્’નું ઉદ્ઘાટન કરશે
મોરબી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 21મી તારીખે મોરબી જિલ્લા ભાજપના નવનિર્મિત કાર્યાલય ‘કમલમ્’નું ઉદ્ઘાટન કરવા માટે આવી રહ્યા છે, ત્યારે તેમના આગમનને લઈને મોરબી જિલ્લા ભાજપ અને સ્થાનિક વહીવટી તંત્રમાં પૂરજોશમાં દોડધામ શરૂ થઈ ગઈ છે. વીવીઆઈપી મુવમેન્ટને પગલે, ભાજપ કાર્યાલય આસપાસના અને તેમના સંભવિત રૂટ પર, ખાસ કરીને શનાળા રોડ પર, ત્વરિત વિકાસ અને રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.
કેન્દ્રીય ગૃહમંત્રીની મુલાકાતને લઈને ભાજપના કાર્યક્રમ સ્થળ અને રૂટ પર તાત્કાલિક ધોરણે રોડ રિપેરિંગ, રખડતા ઢોરને દૂર કરવાની ઝુંબેશ અને ઉભરાતી ગટરોની સફાઈ સહિતની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. સ્થાનિક નાગરિકોમાં એવી ચર્ચા છે કે, નિયમિત જાળવણીના અભાવે બિસ્માર બનેલા રસ્તાઓ અને ઉભરાતી ગટરોની સમસ્યાનો ઉકેલ માત્ર કોઈ મોટા નેતાની મુલાકાત સમયે જ ‘દેખાય’ છે.સ્થાનિક નેતાઓ દ્વારા શાહના રૂટ પર શહેરની સ્વચ્છ અને સુવિધાયુક્ત છબી રજૂ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, જેના કારણે શનાળા રોડ સહિતના વિસ્તારોમાં વિકાસની કામગીરીનું પુનરાગમન થયું છે.કાર્યાલયના ખર્ચમાં ‘કટકી’ની બજાર ગરમ એક તરફ મોરબી ભાજપ નવા કાર્યાલયના ઉદ્ઘાટનનો ઉત્સવ મનાવી રહ્યું છે, ત્યારે બીજી તરફ, આ નવનિર્મિત જિલ્લા ભાજપ કાર્યાલયના બાંધકામ ખર્ચમાં સ્થાનિક નેતાઓએ ‘કટકી’ કરી હોવાની વાતો પણ મોરબીના રાજકીય વર્તુળો અને બજારમાં જોરશોરથી સંભળાઈ રહી છે. જોકે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી, પરંતુ આ આંતરિક ગણગણાટથી ભાજપમાં ભારે ચર્ચાનું મોજું ફરી વળ્યું છે.કેન્દ્રીય ગૃહમંત્રીના આગમન પહેલા જાહેર સુવિધાઓ સુધારવાના તંત્રના પ્રયાસો અને આંતરિક કથિત ગેરરીતિની ચર્ચાએ મોરબીના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.









