કૃષિ મહાવિદ્યાલય, સ.દા. કૃષિ યુનિવર્સિટી, થરાદ ખાતે સ્વયંમ સંચાલીત જીવામૃત પ્લાન્ટ કાર્યરત કરાયો.

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
કૃષિ મહાવિદ્યાલય, સ.દા. કૃષિ યુનિવર્સિટી, થરાદ ખાતે સમગ્ર કેમ્પસ પ્રાકૃતિક ખેતી આધારિત મોડલ કેમ્પસ તરીકે વિકસાવવામાં આવ્યો છે. આ પ્રાકૃતિક સિસ્ટમને વધુ મજબૂત બનાવવા માટે કોલેજ ફાર્મ ખાતે સ્વયં સંચાલિત (Automatic) જિવામૃત પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે, જે દ્વારા પ્રાકૃતિક ખેતી માટે જરૂરી જૈવિક દ્રાવક “જીવામૃત” સ્વચાલિત પદ્ધતિથી તૈયાર થાય છે.
કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના (NSS) તથા રાષ્ટ્રીય કેડેટ કૉર્પ્સ (NCC) વિભાગ દ્વારા ગયા અઠવાડિયે વિદ્યાર્થીઓને ઓર્ગેનિક સાકભાજી ઉપલબ્ધ થાય તે માટે ફાર્મમાં વિવિધ શાકભાજીનું ઓર્ગેનિક પદ્ધતિથી વાવેતર કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ જાતે વાવેતર અને જતનની પ્રક્રિયાનો અનુભવ મેળવી પ્રાકૃતિક ખેતી પ્રત્યે રસ દાખવ્યો હતો.
આ અનુસંધાને NSS અને NCCના વિદ્યાર્થીઓએ સ્વયંમ સંચાલિત જીવામૃત પ્લાન્ટની અભ્યાસ મુલાકાત લીધી હતી, જેમાં વિદ્યાર્થીઓને નીચે મુજબની બાબતો અંગે માર્ગદર્શન અપાયું:
જીવામૃત બનાવવાની સંપૂર્ણ સ્વચાલિત પ્રક્રિયા
મિશ્રણથી લઈ ફર્મેન્ટેશન સુધીના તમામ તબક્કા
જમીન સ્વાસ્થ્ય સુધારવામાં જીવામૃતની ભૂમિકા
પ્રાકૃતિક ખેતી અને કેમ્પસમાં ઊભી કરાયેલી મોડલ સિસ્ટમનું મહત્વ
આ પ્રસંગે ડો. ભાવેશભાઈ ચૌધરી, ડો. જ્યોત્સનાબેન, ડો. શામળભાઈ ચૌધરી અને ડો. અશોકભાઈ દ્વારા પ્રાકૃતિક ખેતી, જીવામૃતની અસરકારકતા તથા સ્વયંમ સંચાલીત જીવામૃત પ્લાન્ટની કાર્યપદ્ધતિ અંગે વિગતવાર માહિતગાર કરવામાં આવ્યા.
કાર્યક્રમનું સફળ સંચાલન NSSના પ્રોગ્રામ ઓફિસર ડો. સુનિલભાઈ જોષી તથા NCC અધિકારીએ આચાર્ય ડો. આર.એલ. મીના સાહેબના માર્ગદર્શન હેઠળ કર્યું.
આ અભ્યાસ મુલાકાતમાં NSS અને NCCના કુલ 100 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જે દ્વારા તેઓમાં પર્યાવરણમૈત્રીક ખેતી, પ્રાકૃતિક પદ્ધતિઓ અને સ્વસ્થ ખાદ્ય પ્રણાલી પ્રત્યે વધુ જાગૃતિ પ્રસ્થાપિત થઈ.




