
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ
*૪૯૬ જેટલા લાભાર્થીઓને કુલ રૂ. ૨૭૩.૬૯ લાખના યોજનાકીય લાભો પણ એનાયત કરાયા*
*આહવા, વઘઇ અને સુબીર તાલુકામાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરાયું :*
રાષ્ટ્રનિર્માણમાં જનજાતિય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૨૧માં બિરસા મુંડાના જન્મદિવસ તા. ૧૫મી નવેમ્બરને ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે સમગ્ર દેશમાં ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અન્વયે આજરોજ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો “જનજાતિય ગૌરવ દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી.
ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલ ની ઉપસ્થિતિમાં ભગવાન બિરસા મુંડાજી અને આદિવાસીઓના પ્રકૃતિ દેવોનું પૂજન અર્પણ તેમજ ભગવાન બિરસા મુંડાજીના ચિત્રનું અનાવરણ તેમજ આદિજાતી વિભાગના વન અધિકાર અધિનિયમ- ૨૦૦૫ ના ૬૫ લાભાર્થીઓને અધિકારી પત્રો એનાયત કરવા સાથે, જિલ્લામાં પ્રાકૃતિક ખેતી, પાક પ્રક્રિયા, વર્ગીકરણ અને પેકેજિંગ એકમોની સ્થાપના, મુખ્યમંત્રી આદિમજુથ સર્વાંગી ઉત્કર્ષ યોજના અન્વયે પશુપાલકો માટેની દુધાળા પશુઓની ખરીદી સહાય યોજના, સંકલિત ડેરી વિકાસ યોજના અંતર્ગત દુધાળા પશુ સહાય યોજના, વ્યક્તિગત આવાસ યોજના, કુંવરબાઇ મામેરું યોજના, વ્હાલી દિકરી યોજના, પ્લાન હેઠળ મીની ટ્રેક્ટર, મીની કલ્ટીવેટર, મીની રોટાવેટર સહાય, માલિકી યોજના ,દિકરી (રાષ્ટ્રીય પરીવાર નિયોજન કલ્યાણ કાર્યક્રમ), મુખ્યમંત્રી વન અધિકાર ખેડુત ઉત્કર્ષ યોજના હેઠળ દુધાળા પશુઓની ખરીદી સહાય યોજના, ડ્રીપ ઇરીગેશન જેવી વિવિધ યોજનાઓના ૪૯૬ લાભાર્થીઓને કુલ રૂ. ૨૭૩.૬૯ લાખના યોજનાકીય લાભોના વિતરણ સાથે આહવા ખાતે, જિલ્લા કક્ષાનો “જનજાતિય ગૌરવ દિવસ” ઉજવાયો હતો. મહાન ધર્મ યોદ્ધા, સમાજસેવક અને સ્વાતંત્ર્ય સેનાની એવા ભગવાન બિરસા મુંડાને તેમની જન્મજયંતીએ હૃદયપૂર્વક વંદન કરીને શ્રી વિજયભાઇ પટેલે ઉપસ્થિત સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.સ્વાતંત્ર્ય સંગ્રામના આદિવાસી અગ્રીમ યોદ્ધા બિરસા મુંડાના બાળપણ અને તેમની મહાન ગાથાનું વર્ણન કરીને શ્રી વિજયભાઇ પટેલે ભગવાન બિરસા મુંડાની મહાત્મા બનવા સુધીની યાત્રાની સગૌરવ ઝાંખી આપી હતી.આઝાદીમાં મહત્વનું યોગદાન આપનાર આદિવાસી સમુદાયો સ્વતંત્રતા પછી દાયકાઓ સુધી વિકાસથી વંચિત રહ્યા હતા. આજે આદિજાતિ વિકાસમાં ગુજરાત અગ્રેસર છે, તેનો શ્રેય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આપીને શ્રી પટેલે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની ધુરા સંભાળ્યા બાદ આદિજાતિ વિસ્તાર અને સમુદાયના સર્વાંગીણ વિકાસ માટે કરેલા કાર્યો ને પરિણામે આદિવાસીઓમાં આવેલા સામાજિક શૈક્ષણિક અને આર્થિક પરિવર્તન વિશે વિસ્તૃત વિગતો આપી હતી.
રાજ્યના પુર્વ કેબિનેટ મંત્રી વ સુરત પશ્ચિમના ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઇ મોદીએ પણ આ પ્રસંગે ભગવાન બિરસા મુંડાજીના જીવનનો પરિચય આપી સૌને જનજાતિય ગૌરવ દિવસની શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે, વર્ષ-૨૦૦૭ માં તત્કાલીન મુખ્યમંત્રીશ્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વનબંધુ કલ્યાણ યોજનાની શરૂઆત કરાવી આદિજાતિ સમુદાયના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. દસ મુદ્દા આધારિત આ યોજના અંતર્ગત રોડ કનેક્ટિવિટી, ઘર આંગણે શિક્ષણ, આરોગ્ય, વીજળી, પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ યોજના ગુજરાતના આદિવાસીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ છે.
વધુમાં શ્રી પૂર્ણેશભાઇ મોદીએ દેશમા થઈ રહેલી જનજાતિય ગૌરવ દિવસની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો ખ્યાલ આપી, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી સમાજને યથોચિત સન્માન આપવાનુ કાર્ય કર્યું છે તેમ જણાવ્યું હતુ.ભગવાન બિરસા મુંડાજી દ્વારા આદિવાસીઓના હક્કો જળ, જંગલ અને જમીન માટે લડત કરવામાં આવી હતી. તેવી જ રીતે સરકાર દ્વારા રાજ્યના આદિવાસી વિસ્તારોમાં પેસા એક્ટ લાગુ કરીને આદિવાસી લોકોના હક્કો આપવાનું કાર્ય કર્યું છે, તેમ જણાવ્યું હતું.કેન્દ્ર અને રાજ્યની સરકાર દ્વારા ભગવાન બિરસા મુંડાજીના જીવનમાંથી પ્રેરણા લઈ આદિવાસીઓના ઉત્થાન માટે કાર્યરત છે. આદિવાસી લોકો માટે શિક્ષણ, રોજગાર, નવા વિકાસકીય કામો થી આદિવાસી વિસ્તારમાં ક્રાંતિ આવી છે. ગુજરાતના ૧ કરોડ જેટલાં આદિવાસીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે સરકાર સતત કાર્યરત છે તેમ શ્રી પૂર્ણેશભાઇ મોદીએ વધુમાં જણાવ્યું હતું.
તાજેતરમાં ગૌરવ યાત્રા દરમિયાન યોજાયેલ ચિત્ર, વકૃત્વ, અને નિબંધ જેવી સ્પર્ધાઓમાં વિજેતા સ્પર્ધકોને મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં. તેમજ આરોગ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી અને જિલ્લાના પ્રગતિશીલ પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતોને પણ સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
આહવા ખાતે યોજાયેલ જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી નિમિત્તે ડાંગી નૃત્ય, ઠાકરે નૃત્ય, બામ્બુ ડાન્સ, કથક નૃત્ય, ગરબા, નાટક જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતાં. દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેદ્રભાઈ મોદીના ડેડીયાપાડા ખાતેના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
આજરોજ જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી નિમિત્તે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આહવા, વઘઇ અને સુબીર તાલુકામાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન, વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચંદરભાઈ ગાવિત, સુબીર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી લતાબેન કનવારે, આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઈ ચૌધરી, ભાજપા પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત, રાજવી શ્રી ધનરાજ સિંહ સૂર્યવંશી, શ્રી છત્રસિંહ સૂર્યવંશી સહિત જિલ્લા તાલુકાના પદાધિકારીશ્રીઓ, સહિત ડાંગ જિલ્લા કલેકટર સુશ્રી શાલિની દુહાન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ.વસાવા, પ્રાયોજના વહીવટદાર શ્રી આંનદ પાટીલ, ઉત્તર નાયબ વન સરંક્ષક શ્રી મુરારીલાલ મીણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી એસ. ડી. તબીયાર, પ્રાંત અધિકારી સુશ્રી કાજલ આંબલિયા સહિત જિલ્લા/તાલુકાના અધિકારી, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.





