Rajkot: ૧૬ નવેમ્બર ‘રાષ્ટ્રીય પ્રેસ દિવસ’: ‘વધતી ભ્રામક માહિતી વચ્ચે વિશ્વસનીયતાનું સંરક્ષણ જરૂરી

તા.15/11/2025
વાત્સલયમ્ સમાચાર
આલેખનઃ સંદીપ કાનાણી
‘ફેક ન્યૂઝ’ અને ‘ફાસ્ટ ફોરવર્ડ ભ્રામક માહિતી’થી પ્રેસની વિશ્વસનીયતા સામે સર્જાયેલા ગંભીર પડકારો
Rajkot: ભારતમાં દર વર્ષે ‘૧૬ નવેમ્બર’ રાષ્ટ્રીય પ્રેસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દેશમાં પ્રેસની સ્વતંત્રતા અને જવાબદારીના પ્રતીક તરીકે આ દિવસ મનાવાય છે. જે પત્રકારત્વમાં નૈતિકતા અને ઉચ્ચ ધોરણો જાળવવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
દેશમાં પ્રેસની સ્વતંત્રતા જાળવવા અને સમાચારપત્રો તથા સમાચાર એજન્સીઓના ધોરણોને ઉત્કૃષ્ટ બનાવવાના ઉદ્દેશ્યથી પ્રથમ પ્રેસ આયોગની રચના કરાઈ હતી. જેની ભલામણો મુજબ સંસદ દ્વારા પ્રેસ પરિષદ અધિનિયમ-૧૯૬૫ પસાર કરીને, ૧૯૬૬માં ભારતીય પ્રેસ પરિષદ (પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા)ની સ્થાપના કરવામાં આવી અને ૧૬મી નવેમ્બરથી પરિષદે પોતાનું કાર્ય શરૂ કર્યું હતું. ૧૯૭૫માં કટોકટી પછી ફરી ૧૯૭૮માં નવો અધિનિયમ બનાવી ૧૯૭૯માં પ્રેસ પરિષદની પુનઃ સ્થાપના કરવામાં આવી હતી.
પ્રેસ પરિષદના મુખ્ય કાર્યો છેઃ (૧) પ્રેસની સ્વતંત્રતાનું જતન કરવું. (૨) ભારતમાં અખબારો અને સમાચાર એજન્સીઓના ધોરણો જાળવવા અને સુધારવા. આ પરિષદ પ્રેસમાં ‘સ્વ-નિયમનના સિદ્ધાંતો’ કેળવવાનું કામ કરે છે. પરિષદે પત્રકારત્વની આચારસંહિતાના ધોરણો’ પણ ઘડ્યા છે.
ભારતીય પ્રેસ પરિષદ એક સ્વતંત્ર અર્ધ-ન્યાયિક વૈધાનિક સંસ્થા છે. ૧૬ નવેમ્બરના દિવસે શરૂઆત થઈ હોવાથી, આ દિવસને ‘રાષ્ટ્રીય પ્રેસ દિવસ’ તરીકે જાહેર કરવામાં આવ્યો. આ દિવસની આ વર્ષની મુખ્ય થીમ છેઃ ‘‘વધતી ભ્રામક સૂચનાઓ (Fake News)ની વચ્ચે વિશ્વસનીયતાનું સંરક્ષણ’’.
પ્રેસને લોકશાહીના ચોથા સ્તંભ તરીકે ઓળખવામાં આવે છે. સ્વતંત્ર અને વિશ્વસનીય પ્રેસ એ સ્વસ્થ લોકતંત્રનો પાયો છે. જો સમાચાર ખોટી માહિતીથી દૂષિત થઈ જાય, તો તેનાથી જનતાની સમજ અને વિશ્વાસ ડગી શકે છે, જે રાષ્ટ્રીય સદભાવ અને લોકતાંત્રિક કાર્યપ્રણાલી પર પ્રતિકૂળ અસર કરી શકે છે.
આજના ડિજિટલ ટેક્નોલોજીના યુગમાં પ્રેસની વિશ્વસનીયતા અનેક પડકારોનો સામનો કરી રહી છે:
(૧) ફેક ન્યૂઝ અને ફોરવર્ડ થતી ભ્રામક માહિતી: સોશિયલ મીડિયાના માધ્યમથી ભ્રામક માહિતી અને ફેક ન્યૂઝ ઝડપથી ફેલાય છે. તથ્યોને તોડી-મરોડીને રજૂ કરવાની આ પદ્ધતિ નાગરિકોને ગેરમાર્ગે દોરે છે અને લોકતંત્રમાં ‘સ્વતંત્ર પ્રેસ’ના કાર્યને ગંભીર નુકસાન પહોંચાડે છે.
(૨) વ્યાપારીકરણનો વધતો પ્રભાવ: પેઈડ ન્યૂઝ, ન્યૂઝ અને જાહેરાતોનું મિશ્રણ અને વ્યાપારી હિતોનું વર્ચસ્વ ‘શુદ્ધ ન્યૂઝ રિપોર્ટિંગ’ અને પ્રેસની સ્વતંત્રતા વચ્ચેની ભેદરેખાને ધૂંધળી કરી રહ્યું છે. આનાથી પત્રકારિતાની અખંડિતતા અને ઉચ્ચ ધોરણો નબળા પડે છે.
(૩) સમાચારનું વ્યવસાયીકરણ: કેટલાક પત્રકારો સનસનાટીભર્યા અહેવાલો અને વ્યક્તિગત હિતોને પ્રાથમિકતા આપે છે. જેના લીધે સત્ય અને જનહિત બાજુ પર રહી જાય છે અને પ્રેસની વિશ્વસનીયતાનું સતત ધોવાણ થાય છે.
(૪) ટેકનોલોજી અને ડિજિટલ યુગનો પ્રભાવ: ડિજિટલ ટેક્નોલોજી અને સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (A.I.)ના એકીકરણથી સમાચારોના ઉત્પાદન અને ઉપભોગ અભૂતપૂર્વ ગતિએ થઈ રહ્યા છે. સમાચારના ક્ષેત્રમાં A.I.નો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. A.I. માહિતીનું સર્જન અને ફેરફારને સરળ બનાવી રહ્યું છે, જે પત્રકારત્વની વિશ્વસનીયતા પર નકારાત્મક અસર કરવા લાગ્યું છે.
કોઈપણ સમાચારને પ્રકાશિત કરતા પહેલા તેની સત્યતા અને ચોક્કસાઈનું પૂરતું પૃથ્થકરણ કરવું જટિલ બની ગયું છે, જેના પરિણામે ભ્રામક સમાચારો ઝડપથી ફેલાઈ રહ્યા છે. આ વધતી પ્રવૃત્તિ પ્રેસની વિશ્વસનીયતાને ધીમે ધીમે ક્ષતિ પહોંચાડી રહી છે.
વિશ્વસનીયતાનું સંરક્ષણ જરૂરીઃ
(૧) મૂળભૂત સિદ્ધાંતોઃ ઉપરોક્ત પડકારોનો સામનો કરવા માટે, મીડિયા સંગઠનો અને પત્રકારોએ પત્રકારત્વના મૂળભૂત સિદ્ધાંતો – સત્ય, સચોટતા, નિષ્પક્ષતા અને સ્વતંત્રતા – પ્રત્યેની પ્રતિબદ્ધતા જાળવવી અનિવાર્ય છે.
(૨) નૈતિકતાનું પાલન: પત્રકારત્વના બંધારણીય આદર્શોની સાથે નૈતિક આત્મ-નિયમન અને તથ્ય-આધારિત રિપોર્ટિંગની કાર્યશૈલી મજબૂત બનાવવી જોઈએ.
(૩) સંતુલન જાળવવું: પ્રેસે પોતાની નૈતિક સીમાઓ જાળવી રાખીને, ટેકનોલોજીનો ઉપયોગ વિવેકપૂર્વક કરવો જોઈએ.
(૪) જનતાનો વિશ્વાસ: જનતાનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે, રિપોર્ટિંગ અને સમાચાર પ્રસારણના દરેક તબક્કે સચોટતા અને જવાબદારીની સાથે સ્વતંત્રતાનું સંતુલન જરૂરી છે.



