Rajkot: વિકસિત ભારત – ૨૦૪૭ : બાળકોના સંરક્ષણ અને સશક્તિકરણ માટે રાજકોટમાં યોજાઇ સમિટ

તા.15/11/2025
વાત્સલયમ્ સમાચાર
ડિજિટલ ઉપવાસથી લઈને સાયબર બુલિંગ સુધીના મુદ્દાઓ ચર્ચાયા
બાળકનું સ્મિત એ સમાજની સફળતાનું જ્વલંત ઉદાહરણ છે – ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન શ્રી ધર્મિષ્ઠા ગજ્જર
Rajkot: રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર ‘રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ’ અને ‘ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ’ ના સંયુક્ત ઉપક્રમે ‘બાળ અધિકારો સંબંધિત મુદ્દાઓ અંગે એક દિવસીય જિલ્લા કક્ષાની સમિટ’ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જજ શ્રી જોટાણીયાએ જણાવ્યું હતું કે, ક્યારેક પારિવારિક સ્થિતિના કારણે બાળકોમાં ટ્રોમાનું પ્રમાણ વધુ જોવા મળે છે. આવા બાળકો પોતાના અધિકારો માટે લડતા હોય છે. બાળકો સાથે સૌમ્ય વ્યવહાર જરૂરી છે, આ બાળકો આપણાં દેશનું ભવિષ્ય છે. વડીલોએ પોતે અને બાળકોને અઠવાડિયામાં એક દિવસ ડિજિટલ ઉપવાસ કરવો જોઈએ.
રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના કન્સલ્ટન્ટ શ્રી કપિલ શર્માએ જણાવ્યું હતું કે, વિકસિત ભારત – ૨૦૪૭ના ધ્યેયને સાકાર કરવા માટે દેશનું નેતૃત્વ કરનાર બાળકોનું સંરક્ષણ અને સંવર્ધન જરૂરી છે. ઘર પોર્ટલ પર રજિસ્ટર થયેલા અન્ય રાજયોના ૧૯૩ પૈકી મોટાભાગના બાળકોને પરત મોકલીને પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું છે.
‘ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ’ ના ચેરમેન શ્રી ધર્મીષ્ઠા ગજ્જરે જણાવ્યું હતું કે ક્યારેક સમય, સંજોગો અને પરિસ્થિતિ અનુસાર બાળકો અનેક સમસ્યાઓથી પીડાતા હોય છે. આપણે સહુએ મળીને કાયદાની મદદથી તેઓને આ સમસ્યાઓમાંથી બહાર કાઢીને તેમનું સંરક્ષણ અને સંવર્ધન કરું જોઈએ. વર્તમાન સમયમાં બાળકો મેદસ્વિતા અને સોસ્યલ મીડિયાથી ખુબ જ પીડાય છે. બાળકોને આપણે મોબાઈલનો ઉપયોગ ઓછો કરાવીને પ્રેમ, હૂંફ અને લાગણીઓ થકી તેમનામાં રહેલી સ્કિલ બહાર લાવવી જોઈએ. બાળકનું સ્મિત એ સમાજની સફળતાનું જ્વલંત ઉદાહરણ છે.
રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પી. આઈ. શ્રી જયેશ એમ. કૈલાએ સ્કૂલમાં બાળકો દ્વારા થતી બુલિંગ અને સાયબર બુલિંગ કેવી રીતે થાય છે અને તેને કેવી રીતે અટકાવી શકાય તે અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.
રાજકોટ જિલ્લા સામાજિક સંરક્ષણ અધિકારી, ચીફ પ્રોબેશન ઓફિસર ડૉ. એમ.પી. પંડિત દ્વારા કિશોર ન્યાય અધિનિયમ, 2015 અને પોક્સો અધિનિયમ, 2012 ના અમલીકરણમાં નડતી સમસ્યાઓ અને તેના નિવારણ અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.
સર્વ શિક્ષા અભિયાનના કો-ઓર્ડીનેટર શ્રી આરતીબેન શેઠે કેવી રીતે શિક્ષકો, બાળકો અને માતાપિતાને સશક્ત બનાવતા સલામત પર્યાવરણનું નિર્માણ કરી શકાય, તેવા વિવિધ મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.
આ પ્રસંગે સમજ સુરક્ષા અધિકારી શ્રી પ્રાર્થનાબેન શેરસિયા,નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અશોકભાઈ વાણવી, રાજકોટ જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રી પ્રિતેશભાઈ પોપટ, બાળ સુરક્ષા અધિકારી શ્રી અલ્પેશ ગોસ્વામી, શિક્ષકો, પોલીસ, આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.






