Rajkot: કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા ડીસ્ટ્રીકટ ક્રાઈસીસ ગૃપની બેઠક યોજાઈ

તા.15/11/2025
વાત્સલયમ્ સમાચાર
સમયસર સંકલન, નિયમિત મોકડ્રિલ અને સુરક્ષા નિયમોનું કડક પાલન ખૂબ મહત્વનુંઃ ડૉ. ઓમ પ્રકાશ
Rajkot: રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં જિલ્લા ડીસ્ટ્રીકટ ક્રાઈસીસ ગૃપની બેઠક કલેક્ટર ઓફિસ ખાતે યોજવામાં આવી હતી. જિલ્લામાં આપત્તિ અને કેમિકલ એક્સિડન્ટની સ્થિતિમાં અસરકારક પ્રતિસાદ માટેની તૈયારીઓને વધુ મજબૂત બનાવવા અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન નાયબ નિયામક તથા જિલ્લા ક્રાઇસિસ ગ્રુપના સભ્ય સચિવ શ્રી એન. આર. ચૌધરી દ્વારા તમામ સભ્યોને જિલ્લાની ક્રાઇસિસ ગ્રુપની રચના, તેની જવાબદારીઓ અને કાર્યપ્રણાલી અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તેમણે રાજકોટ જિલ્લામાં આવેલી મેજર એક્સિડેન્ટ હેઝાર્ડ (MAH) યુનિટ્સ વિશે માહિતી આપી અને તેમાંથી ઊભા થઈ શકે તેવા વિવિધ જોખમો અંગે માહિતગાર કર્યા હતા. તેમણે MAH યુનિટ્સથી સંભવિત જોખમો, નજીકના વિસ્તાર પર તેની અસર, તેમજ ઓન-સાઇટ અને ઓફ-સાઇટ એમર્જન્સી પ્લાનની મહત્વતા સમજાવી હતી. ઉપરાંત, સંકટની સ્થિતિમાં વિભાગો વચ્ચેના સમન્વય, ઉપલબ્ધ સાધન-સામગ્રી અને અસરકારક પ્રતિસાદ માટેની કાર્યવાહી યોજનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશે સમયસર સંકલન, નિયમિત મોક ડ્રિલ અને સુરક્ષા નિયમોના કડક પાલનની અગત્યતા ઉપર ભાર મૂક્યો હતો.
બેઠકના અંતે જિલ્લામાં આપત્તી સુરક્ષા મજબૂત બનાવવાની, જાહેર જનતાનું રક્ષણ કરવાની અને કોઈપણ તાત્કાલિક પરિસ્થિતિ માટે તૈયાર રહેવાની સંયુક્ત પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.




