નીચલી કોર્ટના જજ સમયસર કોર્ટમાં ન આવતા ચીફ જસ્ટિસ નારાજ !!!

નીચલી કોર્ટ(ટ્રાયલ કોર્ટ)ના જજીસ સમયસર કોર્ટમાં આવતા નહી હોવાનું અને ડાયસ પર ટાઇમસર બેસતા નહી હોવાની હકીકત ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના ઘ્યાન પર આવતાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે સમગ્ર મામલાની ગંભીરતા ઘ્યાને લઇ નીચલી કોર્ટના જજીસના ફરજમાં ગંભીર બેદરકારીના વલણને લઇ ભારે નારાજગી વ્યકત કરી છે. એટલું જ નહી, ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલના નિર્દેશાનુસાર, નીચલી કોર્ટના તમામ જજીસ, જ્યુડિશિયલ ઓફિસરોને સમયસર કોર્ટમાં આવવા અને ડાયસ પર ટાઇમસર ફરજ પર હાજર થવા કડક ચેતવણી સાથેનો નિર્દેશ આપતો વધુ એક પરિપત્ર જારી કરવામાં આવ્યો છે.
જો હવે ટ્રાયલ કોર્ટના જજ ટાઇમસર નહીં આવે કે ડાયસ પર નહીં બેસે તો શિક્ષત્મક પગલાં સહિતની કાર્યવાહી : હાઇકોર્ટ દ્વારા પરિપત્ર જારી
પરિપત્રમાં જો જજીસ દ્વારા સમયનું પાલન નહી કરવામાં આવે અને કોર્ટમાં કે ડાયસ પર સમયસર હાજર નહી થવામાં આવે તો, હાઇકોર્ટ દ્વારા તેની ખૂબ ગંભીર નોંધ લેવાશે અને આવા ફરજમાં બેદરકારી કે ચૂક દાખવાનારા જજીસ વિરૂઘ્ધ શિક્ષાત્મક કાર્યવાહી સુધીના પગલાં લેવાની ચીમકી પણ પરિપત્રમાં ઉચ્ચારવામાં આવી છે. નીચલી કોર્ટોમાં કેટલાક જજીસ(જ્યુડિશિયલ ઓફિસર્સ) કોર્ટમાં સમયસર આવતા નહી હોવાની, જો કોર્ટમાં આવે તો સમયસર ડાયસ પર બેસતા નહી હોવાની, ડાયસ પરથી કોર્ટ સમય પૂરો થતાં પહેલાં ઉતરી જતા હોવાની અને કોર્ટમાંથી વહેલા ઘેર નીકળી જતા હોવાની વિગતો હાઇકોર્ટ સુધી પહોંચી હતી, જેને લઇ ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે નીચલી કોર્ટના જજીસની આવા બેદરકારીભર્યા અને ફરજ પ્રત્યે ઉદાસીનતાને લઇ બહુ ગંભીર નોંધ લીધી હતી.
ગુજરાત હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલ દ્વારા જારી પરિપત્રમાં જણાવાયું છે કે, ગુજરાતના ઘ્યાન પર ફરી એ હકીકત આવી છે કે, અગાઉ હાઇકોર્ટના વારંવારાના નિર્દેશો અને ચેતવણી છતાં કેટલાક જ્યુડિશિયલ ઓફિસરો-જજીસ કોર્ટમાં સમયસર આવતા નથી કે ડાયસ પર ટાઇમસર બેસતા નથી, તેથી હાઇકોર્ટ આ સમગ્ર મામલાની ગંભીરતાથી નોંધ લે છે.
વધુમાં ચીફ જસ્ટિસ દ્વારા સંબંધિત તમામ જ્યુડિશિયલ ઓફિસર્સ-જજીસને ચેતવણી આપવામાં આવે છે કે, કોર્ટ કામકાજના કલાકો અને ફરજમાં એકદમ ચોક્કસતા જાળવી રાખવાની રહેશે. નીચલી કોર્ટના જજીસે સમયસ કોર્ટમાં અને ડાયસ પર ફરજ પર હાજર થવાનું રહેશે.
જો હાઇકોર્ટના આ હુકમનું પાલન કરવામાં કસૂર કે ચૂક દાખવવામાં આવશે તો, હાઇકોર્ટ તેની બહુ ગંભીર નોંધ લેશે અને તેવા કિસ્સાઓમાં સંબિધિત જયુશીયલ ઓફિસર્સ કે જજીસ વિરૂઘ્ધ શિક્ષાત્મક પગલાં સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ચીફ જસ્ટિસના આ નવા કડક હુકમ અને જારી પરિપત્રને પગલે લોઅર જયુડીશીયરીમાં ખાસ કરીને નીચલી કોર્ટના જજીસ અને જ્યુડિશિયલ ઓફિસર્સમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે.
હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલ દ્વારા ચીફ જસ્ટિસના નિર્દેશાનુસાર તૈયાર કરાયેલા આ પરિપત્રની નકલ સંબંધિત ડિસ્ટ્રીકટ કોર્ટ, સેશન્સ કોર્ટ, ફેમીલી કોર્ટ, સ્મોલ કોઝ કોર્ટ, ઇન્ડ્સ્ટ્રીયલ કોર્ટ સહિતની કોર્ટો અને તેમના સંબંધિત સાાધીશોને મોકલી અપાઇ છે અને તેનું કડકપણે ચુસ્તતાપૂર્વક પાલન કરવા તાકીદ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ હાઇકોર્ટ દ્વારા રાજયની નીચલી કોર્ટોના જજીસ કોર્ટોમાં સમયસર આવતા નહી હોવાની અને ડાયસ પર ટાઇસર આવતાં જ નહી હોવાની હકીકત ઘ્યાન પર આવતાં એ વખતે પણ કડક નિર્દેશો અને પરિપત્ર જારી કરવામાં આવ્યા હતા પરંતુ તેમછતાં તેનું પાલન નહી થતું હોવાનું ફરી હાઇકોર્ટના ઘ્યાન પર આવતાં ચીફ જસ્ટિસે સમગ્ર બાબતની ફરી એકવાર ખૂબ જ ગંભીર નોંધ લઇ તાકીદના નિર્દેશો સાથે કડક અમલવારી માટેનો પરિપત્ર જારી કરાવ્યો હતો.





