INTERNATIONAL

રશિયાનો ફરી એક વાર કીવ પર ભીષણ હુમલો, 4નાં મોત

રશિયાએ શુક્રવાર વહેલી સવારે યુક્રેન પર કરેલા મોટા હુમલામાં 4 લોકોનાં મોત થયા છે અને રાજધાની કીવની અનેક ઇમારતોમાં આગ લાગી હતી તેમ યુક્રેનનાં અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.

કીવની સેના વહીવટી તંત્રનાં પ્રમુખ તૈમુર તકાચેંકોએ જણાવ્યું હતું કે ઇમરજન્સી ટીમે અનેક હુમલાઓનો જવાબ આપ્યો હતો અને આ દરમિયાન ઓછામાં ઓછા 27 લોકો ઘાયલ થયા હતાં.

યુક્રેનનાં પ્રમુખ ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં રશિયાએ કરેલા આજનાં હુમલામાં 430 ડ્રોન અને 18 મિસાઇલોનો ઉપયોગ કર્યો હતો. આ સુનિયોજિત હુમલાનો ઉદ્દેશ લોકોને મહત્તમ નુકસાન પહોંચાડવાનો હતો.

ઇસ્કંદર મિસાઇલનાં ટુકડાઓેથી અઝરબેઝાન દુતાવાસને નુકસાન થયું હતું. શહેરમાં અનેક શક્તિશાળી વિસ્ફોટોના અવાજ સંભળાયા હતાં. 15 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં એક શખ્સની સ્થિતિ ગંભીર છે અને એક ગર્ભવતી મહિલા પણ છે.

શહેરનાં સત્તાવાળાઓએ વીજળી અને પાણી પુરવઠામાં અવરોધ ઉભો થવાની ચેતવણી આપી છે. દાર્નિત્સકી જિલ્લામાં ડ્રોન અને મિસાઇલનો કાટમાળ એક રહેણાંક ઇમારતનાં પ્રાંગણ અને એક શૈક્ષણિક સંસ્થાના પરિસરમાં પડયું હતું. જેના કારણે એક કારમાં આગ લાગી હતી.

દ્રિપોવ્સ્કી જિલ્લામાં હુમલાના કારણે ત્રણ એપાર્ટમેન્ટ, એક ઘર અને એક ખુલ્લી જગ્યામાં આગ લાગી હતી. હુમલાના કારણે પોદિલ્સ્કી જિલ્લામાં પાંચ રહેણાંક અને  એક બિન રહેણાંક ભવનને નુકસાન થયું હતું.

Back to top button
error: Content is protected !!