હવામાન વિભાગનું શીત લહેર એલર્ટ જારી

ચોમાસા બાદ હવે દેશના અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડીનો પ્રારંભ થઈ ગયો છે. ઉત્તર ભારતમાં વહેલી સવારે અને સાંજે ઠંડી વધવા લાગી છે. જ્યારે હવામાન વિભાગ (IMD)એ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારો સહિત મધ્ય ભારત માટે શીત લહેરની ચેતવણી જાહેર કરી છે. કાનપુરમાં પારો 8°C સુધી પહોંચ્યો છે. જ્યારે સીકર (રાજસ્થાન)માં 6°C નોંધાયું છે. પંજાબ અને હરિયાણા પણ તીવ્ર ઠંડીની લપેટમાં છે. જ્યાં ગુરદાસપુર અને ફરીદકોટમાં અનુક્રમે 3.4°C અને 3.5°C નો લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
મધ્યપ્રદેશના અનેક જિલ્લામાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ઇન્દોરમાં 8.2°C, શિવપુરી અને નૌગાંવમાં 8°C, જ્યારે જબલપુર અને રેવામાં અનુક્રમે 9.4°C અને 8.8°C નોંધાયું છે. જે સામાન્ય કરતાં 5 થી 7 ડિગ્રી ઓછું છે. છત્તીસગઢમાં પણ ઉત્તરથી દક્ષિણ સુધી ઠંડીનો વ્યાપક પ્રભાવ જોવા મળ્યો છે. રાયપુરમાં 13°C, દુર્ગમાં 10°C, અંબિકાપુરમાં 7°C અને પેન્દ્રામાં 10°C તાપમાન નોંધાયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બંને રાજ્યોમાં સત્તાવાર રીતે ઠંડીની ચેતવણી જારી કરી છે.
પર્વતીય રાજ્યોમાં હવામાન બગડવાની સંભાવના છે. IMD અનુસાર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના ઊંચા વિસ્તારોમાં બરફવર્ષા થઈ શકે છે. ખાસ કરીને લાહૌલ-સ્પિતિ, કુલ્લુ અને મનાલી જેવા પર્યટન સ્થળોમાં ભારે બરફ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
બીજી તરફ દક્ષિણ ભારતમાં ચક્રવાતી પરિસ્થિતિ સર્જાતા તમિલનાડુ અને કેરળ માટે આગામી ત્રણ દિવસ સુધી મુશળધાર વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ પરિસ્થિતિને પગલે સ્થાનિક તંત્રોને સતર્ક રહેવાનું સૂચન આપવામાં આવ્યું છે.




