નવસારી: કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના વરદ હસ્તે બિલિમોરા ખાતે “અંબિકા નદી પર મેજર બ્રિજ”નું ખાતમુહૂર્ત ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
આ બ્રિજથી બીલીમોરા અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક અને પ્રવાસ સમય ઘટશે તેમજ આર્થિક અને સામાજિક વિકાસના નવા દ્વાર ખુલશે- આદિજાતી મંત્રીશ્રી નરેશભાઇ પટેલ
માર્ગ અને મકાન વિભાગ, ગુજરાત સરકાર દ્વારા નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા ગામના એરૂ ચાર રસ્તાના હાંસાપોર અબ્રામા અમલસાડ બિલિમોરા રોડ ખાતે રૂ. ૫૦ કરોડના ખર્ચે “અંબિકા નદી પર મેજર બ્રિજ”ના નિર્માણ કાર્ય તથા અમલસાડ સરીબુજરંગ છાપર મેંધર રોડ ઉપર કિ.મી. ૪/૨ થી ૪/૪ માં નવા બોક્ષ કલ્વર્ટનાં કામનું ખાતમુહૂર્ત આજે કેન્દ્રીય મંત્રીશ્રી સી.આર. પાટીલના વરદ હસ્તે તથા આદિજાતિ વિકાસ વિભાગના મંત્રીશ્રી નરેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ, ફૂડ, સિવિલ સપ્લાયઝ અને ગ્રામોદ્યોગ વિભાગના મંત્રીશ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે, સરકારનો ધ્યેય ગ્રામ્ય તથા આદિવાસી વિસ્તારોમાં આધુનિક સુવિધાઓ પહોંચાડવાનો છે. આ બ્રિજથી રોજિંદી અવરજવર સરળ બનશે, રોજગારની તકો વધશે તેમજ વિસ્તારના એકંદર વિકાસને ગતિ મળશે. આ બ્રિજ બીલીમોરા અને આસપાસના વિસ્તારોને નવી ઝડપ, નવી સુવિધાઓ અને વિકાસના નવા અવસરોથી જોડશે. બિલીમોરા અને નવસારી કાંઠા વિસ્તારના અનેક નાગરિકોને આ બ્રિજ ઉપયોગી થશે. આ સાથે તેમણે આવનાર સમયમાં કોસ્ટલ રોડના કામો શરૂ થશે જે આ વિસ્તારના નાગરીકોના વિકાસમા મહત્વનો સાબિત થશે એમ ઉમેર્યું હતું.
*બોક્ષ* :
એરૂ ચાર રસ્તા હાંસાપો૨ અબ્રામા અમલસાડ રોડ કિ.મી. ૪/૮ થી ૨૬/૦ નવસારી શહેરને એરૂ, અબ્રામા, હાંસાપોર, મંદિર, અમલસાડ, કોથા, માસા, સુલ્તાનપુર, કનેરા, પનાર, કૃષ્ણપુર, અંચેલી, મોહનપુર, વેડછા, સરીખુરદ, સરીબુજરંગ, છાપર, રાંભલ, ભાઠા તેમજ અન્ય દરીયાકાંઠે વસેલા ગામોને બીલીમોરા શહેર થઈ વાઘરેચ ધોલાઈ થઈ વલસાડ જિલ્લાને જોડતો અતિમહત્વનો કોસ્ટલ હાઈવે છે. જેને કારણે આ રસ્તા ઉપર ટ્રાફીકનું ભારણ ખુબ જ રહે છે. આ રસ્તા ઉપર બીલીમોરા શહેર અને ભાઠા ગામની વચ્ચે અંબિકા નદી ઉપર સને ૧૯૭૧ – ૭૨ માં બનેલા હયાત આશરે ૪૦૦.૦૦ મીટર લાંબો મેજર બ્રીજ છે. આ રસ્તાની ડામરની પહોળાઈ ૧૦.૦૦ મીટર છે અને બ્રીજની બહારથી બહાર પહોળાઈ માત્ર ૭.૦૦ મીટર જ હોય, પીક અવર્સમાં ટ્રાફીક જામની સમસ્યા ઉભી થાય છે. વધુમાં અંબિકા નદીમાં દર વર્ષે બે થી ત્રણ વાર ભંયકર પુરની પરીસ્થિતી સર્જાય હતી. જેને કારણે આ બ્રીજનાં પિલ્લર અને સ્લેબને નુકશાન થયુ હતું તથા સળીયા પણ ખુલ્લા પડી ગયા હતા. આમ, નવો હાઈ લેવલ બ્રીજ બનવાથી ટ્રાફીકની સમસ્યા પણ હળવી થઈ જશે ચોમાસા દરમ્યાન વાહનવ્યવહાર માટે રસ્તો ચાલુ રહેતા નાગરીકોને સુવિધા મળશે.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈ, ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, ઇંચા.કલેક્ટરશ્રી પુષ્પલતા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કા.પા.ઇ મનીષ પટેલ સહિતના આગેવાનો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ ઉપસ્થિતિ દર્શાવી હતી.





