SIRમાં મહિલા કર્મચારીઓ BLOના મોબાઈલ નંબર જાહેર કરાતાં મહિલા કર્મચારીઓને પરેશાની

શિક્ષકો પાસે કરાવવામાં આવતી એસઆઈઆર સહિતની કામગીરી બાબતે શૈક્ષિક સંઘે આજે રાજકોટ, જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ઠેરઠેર આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. આ કામગીરીમાં બૂથ લેવલ ઓફિસરોના સંપર્ક નંબરો જાહેર કરાતાં મહિલા કર્મચારીઓને પરેશાની થતી હોવાના આક્ષેપ સાથે શિક્ષકોએ આવા કાર્ય માટે અલગ કેડર રચવાની માગણી ઉઠાવી છે.
હાલ ચાલતી ચૂંટણી પંચની એસઆઇઆર કામગીરીમાં ગુજરાતના લગભગ 40,00 શિક્ષકોને રોકવામાં આવ્યા છે ત્યારે ગુજરાતની શાળાઓના બાળકો શિક્ષક વગરના થઈ ગયા છે. આવી સ્થિતિમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ચૂંટણી પંચની તમામ કામગીરી માટે અલગ કેડરની રચના કરવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે. રાજકોટ કલેક્ટર કચેરી ખાતે આવેદન આપીને શિક્ષકોએ બળાપો ઠાલવ્યો કે મોટેભાગે શિક્ષકોને જ આ કામમાં રોકી રાખવામાં આવે છે તે ગેરવ્યાજબી છે. ઉપરાંત, ટૂંકા સમયમાં ઝડપભેર વિગતો અપલોડ કરવા અપાતા ટાર્ગેટ તેમજ શિક્ષકોને સંભાળ્યા વિના જ ધરપકડના વોરન્ટની ધમકી આપીને અપમાન કરવામાં આવે તે યોગ્ય નથી.
આ મુદ્દે જૂનાગઢ શૈક્ષિક મહાસંઘ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી અને આર.ઓ.ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બીએલઓ કામગીરી કરતા શિક્ષક બહેનોને ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે. શિક્ષક બહેનોના નંબર જાહેર થઈ જતા અસામાજિક તત્ત્વોના ફોન મેસેજ શિક્ષક બહેનોને હેરાન પરેશાન કરી મૂકે છે. આ કામગીરી 4 નવેમ્બરથી માંડી 7 ફેબ્રુઆરી સુધી ચાલવાની છે અને બોર્ડની પરીક્ષા પણ ફેબુ્રઆરી મહિનામાં શરૂ થવા જઈ રહી છે ત્યારે શાળામાં બાળકો શિક્ષક વગરના થઈ ગયા છે. ઘણી બધી શાળાઓમાં તો 80 ટકા 90 શિક્ષકો બીએલઓ કામગીરીમાં રોકાયેલા છે. હાલ ગુજરાતમાં થયેલ પ્રખર સર્વેમાં વાંચન લેખન અને ગણન બાબતે ગુજરાત ૨૪માં ક્રમાંકે પહોંચી ગયું છે.





