
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : મદાપુરકંપાથી – ગાજણ ટોલપ્લાઝા રોડ વરસાદમાં ધોવાયો, સમારકામમાં તંત્રની ઉદાસીનતા સામે લોકોમાં આક્રોશ..!!!
ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી એ ખરાબ રસ્તા ઓ ઝડપથી રિપેરિંગ કરવાની સૂચના આપવામાં આવી હતી જોકે અરવલ્લી જિલ્લામાં જવાબદાર અધિકારીઓ ક્યાંક ખરાબ રસ્તાઓના ખાડા કે અસરગ્રસ્ત રસ્તાઓ ને ક્યાંક રિપેરિંગ કરવાનું ભૂલી ગયા હોય તેનો જાગતો દાખલો સામે આવતા તંત્ર સામે સવાલો ઊભા થયા છે.કેટલીક જગ્યાએ રોડ રસ્તા કામમાં વેઠ જોવા મળતા કોન્ટ્રાકટર અને તંત્ર સામે જાગૃત નાગરિકોએ પણ સવાલો ઉઠાવ્યા છે પરંતુ પેટનું પાણી હલતું નથી
અરવલ્લી જિલ્લામાં ચોમાસાના ભારે વરસાદથી માર્ગ વ્યવસ્થા ઠપકતી જોઈ રહી છે. મોડાસા નજીક મદાપુર કંપાથી ગાજણ ટોલપ્લાઝા સુધીનો મહત્વનો ડામર રોડ બંને બાજુએ લગભગ 2 મીટર સુધી ધોવાઈ જતા માર્ગ સંપૂર્ણ રીતે અસરગ્રસ્ત થયો છે. સ્થિતિ એટલી વણસી ગઈ છે કે ફોર વ્હીલર વાહનોની અવરજવર પૂરેપૂરી બંધ થઈ ગઈ છે અને સ્થાનિકોને વિકલ્પિક રસ્તાઓ પરથી લાંબા ચક્કર મારવા મજબૂર થવું પડી રહ્યું છે.
ખાસ વાત એ છે કે રસ્તામાં થયેલા આ મોટા નુકસાન છતાં તાલુકા પંચાયતના માર્ગ અને મકાન વિભાગે સમારકામની કામગીરી હજુ સુધી શરૂ કરી નથી. રાજ્ય સરકારે તાજેતરમાં વરસાદથી ક્ષતિગ્રસ્ત માર્ગોના તાત્કાલિક સમારકામ અંગે આદેશ આપ્યા છતાં, આ રોડ પર કોઈ કાર્યવાહી ન થતા નાગરિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ તાલુકા સ્તર વિભાગ દ્વારા સરકારમાં તમામ રસ્તા વાહનવ્યવહાર લાયક હોવાના ગેરમાર્ગે દોરતા રિપોર્ટ મોકલાયા હોવાની માહિતી સામે આવી છે,જેના કારણે વાસ્તવિક સમસ્યાઓ પર પાણી ફરી વળ્યું હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકો તંત્રને તાત્કાલિક યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરી રોડને પૂર્વવત્ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.





