MORBI:મોરબી મહાનગરપાલિકાનું ‘બુદ્ધિનું દેવાળું’! થોડા મહિના પહેલા બનાવેલો આલાપ-લીલાપર રોડ તોડીને હવે ભૂગર્ભ ગટર નંખાશે

MORBI:મોરબી મહાનગરપાલિકાનું ‘બુદ્ધિનું દેવાળું’! થોડા મહિના પહેલા બનાવેલો આલાપ-લીલાપર રોડ તોડીને હવે ભૂગર્ભ ગટર નંખાશે
મોરબી/ભાવનગર (સ્થાનિક અહેવાલ): શહેરી વિકાસના આયોજનમાં મહાનગરપાલિકા દ્વારા કેવી બેદરકારી દાખવવામાં આવે છે તેનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. મોરબી/ભાવનગરના આલાપ રોડથી લીલાપર રોડ સુધીના વિસ્તારમાં, જે રોડ માત્ર થોડા જ મહિનાઓ પહેલા જંગી ખર્ચે બનાવવામાં આવ્યો હતો, તેને હવે ફરીથી તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
રોડ બની ગયા બાદ યાદ આવ્યું કે ‘ભૂગર્ભ ગટર બાકી છે!’
સ્થાનિકોના જણાવ્યા મુજબ, થોડા સમય પહેલા જ આલાપ રોડથી લીલાપર રોડ સુધીનો રસ્તો નવીનતમ ટેકનોલોજી અને સામગ્રીથી બનાવવામાં આવ્યો હતો. જોકે, રોડનું કામ પૂર્ણ થઈ ગયા બાદ મહાનગરપાલિકાના અધિકારીઓને યાદ આવ્યું કે, આ રોડ નીચે ભૂગર્ભ ગટરની લાઈન નાખવાનું કામ બાકી રહી ગયું હતું! પરિણામે, હવે કરોડોના ખર્ચે બનેલા આ નવેનવા રોડને તોડીને તેમાંથી ભૂગર્ભ ગટરની લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે.
સ્થાનિકોમાં રોષ: કરદાતાના પૈસાનો વ્યય આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં તંત્રના બેદરકારીભર્યા વહીવટ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ, ભૂગર્ભ ગટરનું કામ થવાથી સ્થાનિકોમાં સંતોષની લાગણી છે, પરંતુ બીજી તરફ, નવો બનાવેલો રોડ તોડી પાડવામાં આવતા સરકારી ધનનો આ બેફામ વ્યય લોકો સહન કરી શકતા નથી.સ્થાનિક લોકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે:”જ્યારે રોડ બનાવવાનું કામ ચાલુ હતું, ત્યારે જ જો ભૂગર્ભ ગટરનું આયોજન કરીને કામ કરી દેવામાં આવ્યું હોત, તો આજે આ નોબત જ ન આવત. મહાનગરપાલિકાએ બુદ્ધિનું દેવાળું ફૂંક્યું છે અને કરદાતાઓના પૈસાનો ખુલ્લેઆમ બગાડ કરવામાં આવી રહ્યો છે.”આ ઘટના સ્પષ્ટ દર્શાવે છે કે, મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા વિકાસના કામોનું આયોજન કેટલું અણઘડ અને સંકલન વગરનું છે. એક જ કામને બે અલગ-અલગ તબક્કામાં કરીને સરકારી તિજોરી પર બમણો બોજ નાખવામાં આવી રહ્યો છે.









