નવનીત પ્રમુખ પ્રધાનજી ઠાકોરનો ઠાકોર સમાજ વતી સન્માન સમારોહ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
થરાદ : થરાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે પ્રધાનજી ઠાકોરની નિમણૂક થતાં ઠાકોર સમાજદ્વારા તેમનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. સમાજની લાઇબ્રેરી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ઠાકોર સમાજના આગેવાનો, વડીલો તેમજ યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સમારંભ દરમિયાન પ્રધાનજી ઠાકોરનું વાજતે-ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સમાજના આગેવાનો દ્વારા તેમને પાઘડી પહેરાવી સંમાનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહપૂર્ણ વાતાવરણ છવાયેલું હતું.
આ અવસરે યુવા આગેવાન ભમરાજી વાઘેલાએ પ્રધાનજી ઠાકોરને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે “સમાજ હંમેશાં તમારી સાથે છે. અડધી રાત્રે પણ જરૂર પડે તો એક ફોન કરજો, અમે સૌ તમારી સાથે ઉભા છીએ.” તેમજ તેમની નિમણૂકને સમાજ માટે ગૌરવની ક્ષણ ગણાવી હતી.
પ્રમુખ તરીકે જવાબદારી સંભાળનાર પ્રધાનજી ઠાકોરે પોતાના ભાવુક સંબોધનમાં કહ્યું હતું કે “હું જે છું તે મારા સમાજને કારણે છું, સમાજનો હંમેશા રૂણી રહીશ.” તેમજ કોંગ્રેસ પાર્ટી તરફથી મળેલી જવાબદારી બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
સમાજના સભ્યોમાં નવા પ્રમુખ પ્રધાનજી ઠાકોર પ્રત્યે ઉત્સાહ અને વિશ્વાસનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સમાજના એકતાનું પ્રતીકરૂપ દ્રશ્ય જોવા મળ્યું હતું.
આ કાર્યક્રમમાં આગેવાન પીરાજી ઠાકોર પીલુડા, કરસનજી ઠાકોર, ભરતભાઈ મડાલ સરપંચ, ભમરાજી વાઘેલા, વીરચંદજી ઠાકોર પીલુડા, મસાજી ઠાકોર, શંકરાજી ઠાકોર, સહિત તમામ આગેવાનો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો




