
રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા – કચ્છ.
ગુંદાલા–રતાડીયા હાઈવે પર વારંવારના અકસ્માતોથી લોકોમાં ચિંતા : ચોકડી પર પુલની તાત્કાલિક માંગ ઉઠી
રતાડીયા, તા.17 : માંડવી–ગાંધીધામ હાઈવે પર આવેલા ગુંદાલા અને રતાડીયા ગામ વચ્ચે વડવારા હોટલ નજીકની ચોકડી પર આજે ફરી બે વાહનો વચ્ચે મોટો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ એક વાહનચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, જ્યારે બીજું વાહન હાઈવેની વચ્ચોવચ્ચ ઉભું રહી જતાં માર્ગ પર અવરોધ ઊભો થયો હતો.
આથી ગુંદાલા તરફથી રતાડીયા તરફ જતા વાહનચાલકોને સામે આવતા વાહનો દેખાતા ન હોવાથી વધુ અકસ્માતનો ભય સર્જાયો હતો. ખાસ કરીને રાત્રિના સમયે આવા વાહનો વચ્ચે રોડ પર પડ્યા રહેતાં અકસ્માતોની સંભાવના વધી જતી હોવાની સ્થાનિક રહેવાસીઓ દ્વારા ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
આ વિસ્તારમાં વારંવાર અકસ્માતો સર્જાતા ગુંદાલા–રતાડીયા અને ગુંદાલા–પત્રી રોડના રહેવાસીઓ લાંબા સમયથી ચોકડી પર પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે. લોકોનું માનવું છે કે જો પુલનું નિર્માણ થાય તો અકસ્માતોમાં ઘટાડો થવાની સાથે મુસાફરોને તેમના ગંતવ્ય સુધી સમયસર અને સુરક્ષિત રીતે પહોંચવામાં સરળતા મળશે.
લોકમાંગણીને ધ્યાનમાં રાખીને સંબંધિત વિભાગ અને તંત્ર દ્વારા તાત્કાલિક પગલા લઇ સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે તેવી સમગ્ર વિસ્તારની અપેક્ષા છે.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com





