
વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત વિજાપુર ધનપુરાની આર.જે. પટેલ હાઈસ્કૂલમાં નિબંધ સ્પર્ધા યોજાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ધનપુરા આર જે પટેલ હાઈસ્કૂલ ખાતે જિલ્લા ટોબેકો સેલ, મહેસાણા અને તાલુકા હેલ્થ ઓફિસ, વિજાપુરના સંયુક્ત માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) વજાપુરના સબ સેન્ટર ધનપુરા દ્વારા ગ્રામ્ય સ્તરે વ્યસન મુક્તિ અંગે જાગૃતિ લાવવા માટે એક સરાહનીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.ધનપુરા મુકામે આવેલી આર.જે. પટેલ હાઈસ્કૂલમાં વ્યસન મુક્તિના વિષય પર નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં કુલ 12 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.કાર્યક્રમ દરમિયાન, તાલુકા હેલ્થ સુપરવાઈઝર, મુકેશ ચૌહાણ દ્વારા વિદ્યાર્થીઓને તમાકુના સેવનથી થતા ગંભીર નુકસાન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે ખાસ કરીને તમાકુના કારણે થતા જીવલેણ રોગો જેવા કે કેન્સર, ટીબી, અને મગજનો લકવો જેવી બીમારીઓ વિશેની માહિતી આપી હતી. આ ઉપરાંત, તમાકુના જાહેર સ્થળો પર વેચાણ અને વપરાશને નિયંત્રિત કરતા તમાકુ અધિનિયમ 2003 (COTPA) અંગે પણ વિદ્યાર્થીઓને વિગતવાર માહિતી આપી જાગૃત કરવામાં આવ્યા હતા.માર્ગદર્શન સત્રના અંતે, તમામ ઉપસ્થિતોને વ્યસન મુક્તિ અંગેનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. નિબંધ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આરોગ્ય સ્ટાફના સભ્યો, જેમાં સીએચઓ ધનપુરા સુમિત પટેલ, પ્રજ્ઞેશ પંડ્યા, શોભનાબેન પટેલ, અને જીગ્નેશભાઈ ઠાકરડા હાજર રહ્યા હતા. શાળાના આચાર્ય વિક્રમભાઈ પટેલ તેમજ શિક્ષક આશાબેન પટેલ દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રકારના જાગૃતિ કાર્યક્રમો ગ્રામ્ય વિસ્તારના યુવાનોને વ્યસનથી દૂર રહેવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.




