AHAVADANGGUJARAT

ડાંગમાં ખોટી નંબર પ્લેટ અને ચેસિસ નંબર સાથે ચેડાં:-પાંચ માસથી વોન્ટેડ આરોપીને વઘઇ પોલીસે ઝડપી પાડયો..

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં નોંધાયેલા ગુનાઓમાં નાસતા-ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવાની પોલીસ અધિક્ષક પૂજા યાદવની સૂચનાના ભાગરૂપે, વઘઇ પોલીસે છેલ્લા પાંચ માસથી ફરાર એક વોન્ટેડ આરોપીને સુરતથી પકડી પાડ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, વઘઇ પોલીસ સ્ટેશનમાં એક પેસેન્જર લક્ઝરી બસમાં ખોટી નંબર પ્લેટ લગાવી તેમજ બસના ઓરિજનલ ચેસિસ નંબરનું પંચિંગ કરી ચેડાં કરવા બદલ ગુનો નોંધાયો હતો. આરોપીનો મુખ્ય હેતુ સરકારનો વાહન વ્યવહાર ટેક્સ ન ભરવાનો હતો, જે માટે તેણે સરકાર સાથે ઠગાઈ કરી હતી.ડેપ્યુટી પોલીસ અધિક્ષક જે.એચ. સરવૈયા, આહવા વિભાગના માર્ગદર્શન હેઠળ, વઘઇ પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. ગઢવીએ આ વોન્ટેડ આરોપીને શોધવા માટે એક ટીમની રચના કરી હતી. ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસને માહિતી મળી કે આ આરોપી સુરત ખાતે છુપાયેલો છે.પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ, એ.એસ.આઈ. મહેશભાઈ રામજીભાઈ (બ.નં. ૪૦૪), એ.એસ.આઈ. ભગીરથસિંહ હેમંતસિંહ (બ.નં. ૪૬૦), અને પો.કો. કમલેશભાઇ વેલાભાઇ (બ.નં. ૧૮૫)ની ટીમે તાત્કાલિક સુરત ખાતે જઈને વોન્ટેડ આરોપી અનવરભાઈ સુલતાનભાઈ અગવાન, ઉંમર ૬૨, ધંધો ભંગારવાળો (કબાડી)(રહે. ૭૦૪-રહમત નગર, વાલક પાટિયા, કામરેજ રોડ, સુરત શહેર)ને ઝડપી પાડ્યો હતો.છેલ્લા પાંચેક માસથી ગુનાના કામે નાસતા ફરતા આ આરોપીને પોલીસે અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળતા ડાંગ પોલીસની વોન્ટેડ આરોપીઓને પકડી પાડવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે..

Back to top button
error: Content is protected !!