Rajkot: રિસાઈને ઘર છોડતી કિશોરીને પોતાના પરિવાર સાથે પુનઃ મિલન કરતી અભયમ ટીમ

તા.17/11/2025
વાત્સલયમ્ સમાચાર
Rajkot: ગુજરાત સરકાર રાજ્યની મહિલાઓની સુરક્ષા માટે હર હંમેશ ચિંતિત રહે છે, તે માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. આવા જ રાજકોટના એક કિસ્સામાં કિશોરીને પોતાના પરિવાર સાથે અભયમ ટીમે પુનઃમિલન કરાવ્યું હતું.
રાજકોટમાં ૧૫ વર્ષીય કિશોરી અસ્વસ્થ હાલતમાં રેલ્વે સ્ટેશન વિસ્તારમાંથી મળી આવતા એક જાગૃત નાગરિકે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનને સંપર્ક સાધ્યો હતો. ત્યારે ઘટના સ્થળ પર અભયમ ટીમના કાઉન્સિલર શ્રી માધવીબેન સરવૈયા, કોન્સ્ટેબલ શ્રી ધારાબેન વાળા, ડ્રાઈવર શ્રી વિજયભાઈ પહોંચી ગયા હતા
અભયમ ટીમે કિશોરીનું કાઉન્સેલિંગ કરતાં જાણવા મળ્યું કે, કિશોરી ઘરેથી રિસાઈને સવારથી સાંજ સુધી રેલ્વે સ્ટેશન વિસ્તાર પાસે બેસીને રડતી હતી. વધુમાં તેણીએ જણાવ્યું હતું કે, રાજકોટના ગ્રામીણ વિસ્તારમાં તેમના મોટા બા અને ભાઈ સાથે રહે છે, બાએ કિશોરીની પસંદની રસોઈ ન બનાવતા કિશોરી ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી બસમાં બેસી રાજકોટ આવી ગઈ હતી. ૧૮૧ અભયમ ટીમે કિશોરીના માતા પિતાની વિગતો અંગે પૂછવા પ્રત્યન કર્યો ત્યારે જાણવા મળ્યું કે તેણીના માતા પિતા અન્ય રાજ્યમાં રહે છે. અભયમ ટીમે તેણીના માતા પિતાનો સંપર્ક સાધ્યો અને સઘળી વિગતો જણાવી હતી. ત્યાર બાદ કિશોરીના બાને પણ સંપર્ક કર્યો તથા તેમના ઘરે સુરક્ષિત પહોંચાડી હતી. કિશોરીએ ક્યારેય ઘર ન છોડવાનું અભયમ ટીમને વચન આપ્યું હતું.
આમ, ૧૮૧ અભયમ ટીમે ઘરેથી રિસાયેલી કિશોરીને પોતાના પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું હતું.




