Dhoraji: કોલેરા નિયંત્રણ અંગે ધોરાજી મામલતદાર કચેરી ખાતે બેઠક યોજાઈ

તા.17/11/2025
વાત્સલયમ્ સમાચાર
રોગચાળો ફેલાતો અટકાવવા પ્રતિબંધાત્મક આદેશ જારી
Rajkot, Dhoraji: ધોરાજીના પાંચ પીરની વાડી વિસ્તારમાં ફેલાયેલા કોલેરાને નિયંત્રિત કરવા વહીવટી તંત્ર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવ્યાં છે. જે અંગે મામલતદાર કચેરી, ધોરાજી ખાતે ચીફ ઓફિસરશ્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તાલુકા હેલ્થ ઓફિસર શ્રી તથા ધોરાજી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ઉપસ્થિત રહ્યા હતાં.
તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કોલેરા અસરગ્રસ્ત લોકોને ધોરાજી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી છે. તથા બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતાં. કલેકટર શ્રી દ્વારા આ વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કરવામાં આવેલ છે. આ વિસ્તારમાં રોગચાળો ફેલાતો અટકાવવા ખાણીપીણીની દુકાનો, ઠંડા પીણાં, છાસ દૂધની બનાવટની વસ્તુઓ, ગોલા, ગુલ્ફી, બરફની બનાવટો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અનાજ, શાકભાજી, ફળફળાદી ઢાંકીને રાખવા સૂચના આપવામાં આવી છે.
આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું છે. લોકોને ગરમ ખોરાક લેવા તેમજ પાણી ઉકાળીને પીવા સમજાવવામાં આવ્યું હોવાનું યાદીમાં જણાવાયું છે.





