બે દિવસ બાદ ગુજરાતમાં શરુ થશે કડકડતી ઠંડી : .હવામાન વિભાગ
રાજ્યના 19 જિલ્લાઓમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે નોંધાયું છે.

ગુજરાતના અનેક જિલ્લાઓમાં ઠંડીનો પ્રભાવ ભારે જોવા મળી રહ્યો છે..હવામાન વિભાગે આગામી 48 કલાક બાદ ઠંડીમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરી છે. હાલમાં ઉત્તર ભારતમાં ઠંડી કડક બની ગઈ છે, જેના કારણે ગુજરાતમાં પણ ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે.
રાજ્યના 19 જિલ્લાઓમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે નોંધાયું છે. અમરેલીમાં સૌથી ઓછું તાપમાન 13.2 ડિગ્રી, અમદાવાદમાં 16.5, ગાંધીનગરમાં 14.5, વડોદરા અને ડીસામાં લગભગ 15 ડિગ્રી, રાજકોટ 14.6, કેશોદ 13.9 અને સુરેન્દ્રનગરમાં 17.6 ડિગ્રી નોંધાયું છે. હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે, આ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો શિયાળાની શરૂઆત દર્શાવે છે.
આગામી દિવસોમાં ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતના ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં બેથી પાંચ ડિગ્રી ઓછું રહેવાની શક્યતા છે. પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ, દક્ષિણ પંજાબ અને દક્ષિણ હરિયાણા સહિતના વિસ્તારોમાં રાત્રિનું તાપમાન સામાન્ય કરતાં 4-7 ડિગ્રી ઓછું રહેશે.
સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ અને નલીયા જેવા શહેરોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. અમરેલીમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી, જયારે રાજકોટમાં 14.8 ડિગ્રી સુધી નીચે ઉતરી ગયું છે, જે આ સિઝનમાં સૌથી નીચું રેકોર્ડ છે. રાત્રિ અને સવારના સમય દરમિયાન ભેજનો ઘટાડો પણ ઠંડકમાં વધારો કરી રહ્યો છે.
હવામાન વિભાગે લોકોને સલાહ આપી છે કે ઠંડીને ધ્યાનમાં રાખીને ગરમ કપડાં પહેરવા અને સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.




