MORBI:વિદેશમાં વેપાર કરાવી આપવાના બહાને મોરબીના વેપારી સાથે રૂ.૧.૭૨ કરોડની છેતરપિંડી કેસમાં વધુ એક આરોપી ઝડપાયો

MORBI:વિદેશમાં વેપાર કરાવી આપવાના બહાને મોરબીના વેપારી સાથે રૂ.૧.૭૨ કરોડની છેતરપિંડી કેસમાં વધુ એક આરોપી ઝડપાયો
વિદેશમાં વેપાર કરાવી આપવાના બહાને મોરબીના વેપારી સાથે રૂ.૧.૭૨ કરોડની છેતરપિંડી કરનાર ગેંગ સામે સાયબર ક્રાઇમની કાર્યવાહી આગળ વધી છે. ન્યુ દિલ્હીની બે કંપનીઓ મારફતે ફ્રોડ ચલાવતી ટોળકીમાં સામેલ વધુ એક આરોપીને મોરબી સાયબર ક્રાઇમ ટીમે દિલ્હીમાંથી દબોચી મોરબી કોર્ટમાં રજુ કરતા કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
મોરબી સાયબર ક્રાઇમ પોલીસને મળતી માહિતી અનુસાર છેલ્લા ઘણા સમયથી ન્યુ દિલ્હીમાં સ્થિત ટ્રેડ ફન્ડામેન્ટલ પ્રા.લી. તથા જી.બી.એફ.એસ.વીંગ્સ પ્રા.લી. નામની બે કંપનીઓ ઓનલાઇન પ્લેટફોર્મ મારફતે વેપારીઓને વિદેશમાં તેમના પ્રોડક્ટ એક્સપોર્ટ કરાવી આપવાના લોભમણી લાલચ આપી છેતરપિંડી કરતી હોય, વિવિધ વેપારીઓને ધંધો વધારવાની આકર્ષક સ્કીમો બતાવી મોટી રકમ પડાવવાનો આ ગેંગનો રેકેટ લાંબા સમયથી સક્રિય હતો. ત્યારે મોરબીના દેવેન્દ્રભાઈ નરસિંહભાઈ દેત્રોજા, જેઓ કોકોપીટ ઉત્પાદનનો ધંધો કરતા હતા, તેમણે ગુગલ સર્ચ દ્વારા આ ફ્રોડ કંપનીનો સંપર્ક કર્યો હતો. બંને કંપનીઓએ તેમને હોંગકોંગની ACES TRADING કંપની સાથે ડીલ કરાવી આપવાની ખાતરી આપી હતી. વોટ્સએપ, ફોનકોલ અને ઇમેઇલ દ્વારા સ્કીમો તથા ચાર્જની માહિતી મોકલી તેમના Averyor Impex નામના કોકોપીટ પ્રોડક્ટને વિદેશમાં વેચાણ કરાવવા માટે ૨૦૨૩ થી ૨૦૨૫ દરમિયાન અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂ.૧,૭૨,૮૮,૪૦૦/- ટ્રાન્સફર કરાવી લઈને વોદેશમાં કોઈ વેપાર કરાવ્યો ન હતો. આખરે છેતરાયેલ હોવાનું સમજતા દેવેન્દ્રભાઈએ ફ્રોડ કંપનીઓ વિરુદ્ધ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.ઉપરોક્ત ફરિયાદને આધારે મોરબી સાયબર ક્રાઇમ પીઆઇ એન.એ. વસાવાએ તાત્કાલિક ટેકનિકલ તપાસ શરૂ કરાવી અને એક ટીમને ન્યુ દિલ્હી મોકલી હતી. તપાસમાં જાણવા મળ્યું કે મુખ્ય આરોપી દ્વારા ફ્રોડથી મેળવેલ નાણા તેના પિતાના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને આ નાણા ગેરકાયદેસર હોવાનું જાણતા હોવા છતાં જયકીશન સિંગલાએ તેનો વ્યક્તિગત લાભ માટે ઉપયોગ કર્યો હતો. મોરબી સાયબર ક્રાઇમ ટીમે હ્યુમન સોર્સની મદદથી દિલ્હી ખાતે લોકેશન ટ્રેસ કરી આ આરોપીને દબોચી લીધો હતો. આરોપી જયકીશન ભાનારામ સિંગલા રહે.સેક્ટર નં.૨૧ પોકેટ નં.૨ રોહિણી ન્યુ દિલ્હી વાળાને મોરબી લાવી કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે હવે ફ્રોડ ગેંગના અન્ય સભ્યો અને નાણાંના વ્યવહાર અંગે વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.







