સંતરામપુર-આણંદ બસ સેવા બંધ કરી દેતા વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ડેપો મેનેજરનું ‘તાળું’! મંત્રીશ્રીની ફાળવેલ બસ પણ કાગળ પર!

સંતરામપુર-આણંદ બસ સેવા બંધ કરી દેતા વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ડેપો મેનેજરનું ‘તાળું’! મંત્રીશ્રીની ફાળવેલ બસ પણ કાગળ પર!

રિપોર્ટર… અમીન કોઠારી મહીસાગર
ગંભીર અવ્યવસ્થા! GSRTC સંતરામપુર ડેપોનું અસંવેદનશીલ વલણ: અનેક રજૂઆતો છતાં બસ સેવા સદંતર બંધ

આ રૂટ પરના સેંકડો વિદ્યાર્થીઓ માટે આ બસ શિક્ષણ સંસ્થાઓ સુધી પહોંચવાનું એકમાત્ર વિશ્વસનીય સાધન હતું. બસ બંધ થવાના કારણે વિદ્યાર્થીઓએ ૧૦-૧૫ કિલોમીટરનો વધારાનો પ્રવાસ ખાનગી વાહનોમાં કે પગપાળા કરવો પડે છે. આના લીધે તેમનો કિંમતી સમય બગડે છે અને તેઓ શાળા-કોલેજોમાં વારંવાર મોડા પડે છે. વિદ્યાર્થીઓનું ભવિષ્ય ‘પાણીના રેલાની જેમ’ વહી રહ્યું છે, તેમ છતાં ડેપો મેનેજરના ‘કાને કશું સંભળાતું’ નથી.
આ બસ સેવાને રાજ્યના વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા સ્પેશિયલ ફાળવવામાં આવી હતી. તેમ છતાં, ડેપો મેનેજર દ્વારા તેને બંધ કરી દેવામાં આવી છે. આનાથી પણ વધુ ગંભીર બાબત એ છે કે ગોધરા ડિવિઝનલ કંટ્રોલર કચેરી દ્વારા પત્ર ક્રમાંક ડીસી/જીડીએ/ટીઆર/ઓપ/જન/૩૯૭ તા. ૦૪/૦૮/૨૦૨૫ દ્વારા આ બસ તાત્કાલિક ચાલુ કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવેલી હતી. ડેપો મેનેજર દ્વારા સત્તાવાર આદેશની ઘોર અવગણના કરવામાં આવી છે અને મંત્રીનો આદેશ પણ કાગળ પર રહી ગયો છે.
વિદ્યાર્થીઓ અને ગ્રામજનો દ્વારા વારંવાર ઓનલાઈન PG પોર્ટલના માધ્યમથી અને અનેક ટેલિફોનિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આ તમામ રજૂઆતોને વહીવટી તંત્ર દ્વારા સતત નજરઅંદાજ કરવામાં આવી છે. આ વલણ GSRTCની પ્રજાલક્ષી સેવાના સિદ્ધાંતોનું છડેચોક અપમાન છે. જો સરકારી પોર્ટલ પરની રજૂઆતોની પણ અસર ન થતી હોય, તો પ્રજાએ હવે કોની પાસે જવું?
આ વિસ્તારના વિદ્યાર્થીઓ, ભક્તો અને ગ્રામજનોની માંગ છે કે ડેપો મેનેજર તાત્કાલિક ધોરણે આ બસ સેવાને નિયમિત સમયપત્રક સાથે ફરી શરૂ કરવામાં આવે કરે. જો તેમ નહીં કરવામાં આવે તો વિદ્યાર્થીઓ અને ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.




