
નર્મદા : તમારી મૂડી, તમારો અધિકાર’ અંતર્ગત બેન્કોમાં રહેલી અનક્લેમ્ડ રકમની માહિતી મેળવવા ૨૧ મી નવેમ્બરે ખાસ કેમ્પ
નર્મદા જિલ્લામાં લોકહિત માટેના આ મહત્વપૂર્ણ અભિયાન હેઠળ 21મી નવેમ્બરે રાજપીપળાના ડૉ. આંબેડકર હોલ ખાતે ખાસ કેમ્પ યોજાશે
રાજપીપલા : જુનેદ ખત્રી
રાજ્ય સ્તરના બેન્કરોની કમિટી (એસએલબીસી)ની અધ્યક્ષતામાં બેન્ક ઓફ બરોડા તેમજ તમામ સભ્ય બેન્કો દ્વારા નર્મદા જિલ્લાના જનસામાન્યને ‘તમારી મૂડી, તમારો અધિકાર’ અભિયાનમાં જોડવા માટે 21મી નવેમ્બરે રાજપીપળાના ડૉ. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે જિલ્લા લીડ બેન્ક દ્વારા ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અભિયાન અંતર્ગત નાગરિકો તેમની વિવિધ બેન્કમાં રહેલી “અનક્લેમ્ડ આર્થિક સંપત્તિઓ” વિશેની માહિતી મેળવી શકે છે. આવા ખાતાઓ, જે ઓછામાં ઓછા 10 વર્ષથી નિષ્ક્રિય (Inactive) છે અને જેના કારણે રકમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ (DEA) ફંડમાં ટ્રાન્સફર થઈ ગઈ હોય, તેની પુનઃપ્રાપ્તી માટે લોકોને માર્ગદર્શન અને સહાય પુરી પાડવામાં આવશે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનજી દ્વારા 4 નવેમ્બર 2025ના રોજ ગાંધીનગરમાંથી આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. નર્મદા જિલ્લામાં પણ ઔDEA ફંડમાં મોટી રકમ અનક્લેમ્ડ છે. સરકારે આપેલા દિશાનિર્દેશ મુજબ સમગ્ર જિલ્લામાં વિશાળ જનજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પ દરમિયાન જિલ્લા પ્રશાસન, RBI, NABARD તેમજ તમામ બેન્કોના અધિકારીઓ ઉપસ્થિત રહી જિલ્લાવાસીઓને માર્ગદર્શન આપશે. ‘તમારી મૂડી તમારો અધિકાર’ અનક્લેમ્ડ રકમની માહિતી મેળવવા માટે આ ખાસ અભિયાનમાં વધુમાં વધુ સંખ્યામાં નાગરિકોને ભાગ લેવા લીડ ડિસ્ટ્રીક મેનેજર, નર્મદા દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.




