MORBI:મોરબી બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા “બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ” પ્રોજેક્ટ હેઠળ ત્રણ મુખ્ય કાર્યક્રમોનું આયોજન

MORBI:મોરબી બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા “બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ” પ્રોજેક્ટ હેઠળ ત્રણ મુખ્ય કાર્યક્રમોનું આયોજન
મોરબીના સરદારબાગ સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા “બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ” પ્રોજેક્ટ હેઠળ ત્રણ મુખ્ય કાર્યક્રમો હાથ ધરાયા છે. જેમાં ૨૪ ઓક્ટોબરથી ૨૧ ડિસેમ્બર ૨૦૨૫ સુધી ચાલનારા આ પ્રોજેક્ટનો હેતુ દરેક આત્મામાં માનસિક શાંતિ, સકારાત્મકતા અને વિશ્વશાંતિનો સંદેશ પહોંચાડવાનો છે. શાંતિદાન, શાંતિયાત્રા અને વર્લ્ડ મેડિટેશન-ડે ના વિશાળ સમાપન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
મોરબીમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, સરદારબાગ તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ, આ સંસ્થા છેલ્લા ૯૦ વર્ષથી વિશ્વભરમાં શાંતિ, નૈતિક મૂલ્યો અને આત્મપરિવર્તન દ્વારા વિશ્વપરિવર્તનના ઉદ્દેશ સાથે કાર્યરત છે. મહિલાઓ દ્વારા સંચાલિત આ સૌથી મોટી આધ્યાત્મિક સંસ્થા હાલ ૧૫૦ થી વધારે દેશોમાં કાર્યરત છે અને સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં સલાહકાર તરીકે પણ સેવા આપી રહી છે. સંસ્થાનું મુખ્ય મથક માઉન્ટ આબુ, રાજસ્થાન ખાતે આવેલ છે. વર્તમાન સમયમાં વ્યાપેલી અશાંતિ, અરાજકતા અને ભયના વાતાવરણને શાંત બનાવવા તેમજ દરેક વ્યક્તિને આંતરિક શાંતિનો અનુભવ થતો થાય તે માટે બ્રહ્માકુમારીઓના ગુજરાત ઝોને “બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ” શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટ તા. ૨૪ ઓક્ટોબર ૨૦૨૫ થી ૨૧ ડિસેમ્બર ૨૦૨૫ સુધી રાજ્યના વિવિધ સેન્ટરોમાં સતત ચાલશે.
આ પ્રોજેક્ટ અંતર્ગત દરેક વ્યક્તિએ રોજ ઓછામાં ઓછી પાંચ મિનિટ શાંતિદાન કરવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. મનને નિશ્ચલ બનાવી શાંતિની શક્તિ વિશ્વમાં વિખેરાય તે આ અભિયાનનો મુખ્ય આશય છે. આ ઉપરાંત, તા. ૨૩ નવેમ્બર ૨૦૨૫ના રોજ વિશાળ શાંતિયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શાંતિના સંદેશ સાથે શહેરમાં જનજાગૃતિ ફેલાવવામાં આવશે અને તમામને શાંતિ માટે એકતાથી યોગદાન આપવાની અપીલ કરવામાં આવશે. આ અભિયાનનો સમાપન કાર્યક્રમ ૨૧ ડિસેમ્બર ૨૦૨૫ વર્લ્ડ મેડિટેશન ડે નિમિત્તે અમદાવાદ યુનિવર્સિટી રોડ ખાતે યોજાશે. આ પ્રસંગે ૬૦,૦૦૦ રાજયોગી ભાઈ-બહેનો ભેગા થઈ ત્રણ કલાક સુધી ખાસ શાંતિદાન મેડિટેશન કરશે, જે વિશ્વશાંતિ માટે અત્યંત મહત્વપૂર્ણ યોગદાનરૂપ બનશે. તો આ વિશેષ ત્રણેય કાર્યક્રમમાં સૌ ભાગ લઈ વિશ્વશાંતિ માટે નિમિત્ત બને તેવો નમ્ર અનુરોધ કરવામાં આવ્યો છે.






