
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. હેમંત શર્મા અને કે.વિ.કે. વઘઈના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. જે. બી. ડોબરિયાના માર્ગદર્શન હેઠળ કે.વિ.કે. વઘઈ ખાતે પીએમ કિસાનના ૨૧ માં હપ્તાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ૨૧ માં હપ્તા પેટે રૂ.૧૮૦૦૦ કરોડની સન્માન રાશિનું અનાવરણ કાર્યક્રમ સાથે દક્ષિણ ભારત પ્રાકૃતિક સમિતિ ૨૦૨૫ નું ઉદ્ઘાટન કોઇમ્બતુર, તમિલનાડુ ખાતેથી કર્યું હતું. માહિતી અનુસાર અત્યાર સુધીમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ રૂપિયા ૩ લાખ ૯૦ હજાર કરોડથી વધારેની રાશિ સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. કે.વિ.કે. વઘઈ ખાતેના પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના કાર્યક્રમમાં વઘઈ તાલુકા પ્રમુખ ચંદરભાઈ ગાવીત વિશેષ હાજરી આપી હતી. કાર્યક્રમમાં ખેડૂતોને પદ્ધતિ નિદર્શન દ્વારા જીવામૃત, અગ્નિઅસ્ત્ર અને પંચસ્તરીય મોડેલ બનાવવાની સમજણ આપવામાં આવી હતી. કૃષિ વિજ્ઞાનીઓએ શિયાળુ પાકોમાં પાપડીની, ચણાની પ્રાકૃતિક ખેતી પદ્ધતિ, પ્રાકૃતિક કૃષિની જરૂરિયાત, મશરૂમ અને કિચન ગાર્ડનની ખેતી પર ખેડૂતોને માહિતગાર કર્યા હતા. કાર્યક્રમમાં ડૉ. અજય પટેલ, ડો. પરેશ વાવડીયા, સંજય ભગરીયા, બાલુભાઈ પટેલ અને તુસારભાઈ ગામિત હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ૩૨૦ થી વધુ ખેડૂત ભાઈયો તેમજ બહેનો ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું.






