
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ચોમાસાની વિદાય બાદ ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે હવે શિયાળાની ઋતુનું આગમન થઈ ચૂક્યું છે.હાલ અહીં પ્રવાસીઓ ‘ફૂલ ગુલાબી’ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે, જેણે વાતાવરણને આહલાદક બનાવી દીધું છે. સાપુતારામાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે,જેના કારણે સવાર અને સાંજના સમયે ઠંડીનો જોરદાર ચમકારો અનુભવાઈ રહ્યો છે. ઠંડીના આ ચમકારા વચ્ચે વહેલી સવારે સર્પગંગા તળાવ કિનારે સૂર્યોદયનો મનમોહક અને નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો. તળાવના શાંત નીરવ પાણીમાં સૂર્યના સોનેરી કિરણોનું પ્રતિબિંબ પડતાં જાણે કે કુદરતે સોનાનો શણગાર સજ્યો હોય તેવું દ્રશ્ય ખડુ થયુ હતુ.આ મનમોહક દ્રશ્યનો લ્હાવો લેવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં પ્રવાસીઓ સર્પગંગા તળાવ કિનારે ઉમટી પડ્યા હતા. ઠંડીની મજા માણતા પ્રવાસીઓમાં આ સુંદર દ્રશ્ય જોઈને ખુશી અને ઉત્સાહ વ્યાપી ગયો હતો. પ્રવાસીઓએ આ ક્ષણોને પોતાના કેમેરામાં કંડારી હતી.ગુલાબી ઠંડી, શાંત તળાવ અને સોનેરી સૂર્યોદયનું આ અદ્ભુત સંમિશ્રણ સાપુતારાને આ સિઝનમાં પ્રવાસીઓ માટે વધુ આકર્ષક બનાવી રહ્યું છે..





