MORBI:મોરબી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટની બેદરકારી સામે દર્દી સગાઓમાં રોષ

MORBI:મોરબી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટની બેદરકારી સામે દર્દી સગાઓમાં રોષ
(રીપોર્ટ મોહસીન શેખ દ્વારા) મોરબીની સિવિલ હોસ્પિટલમાંથી સતત એક પછી એક ગંભીર સમાચાર બહાર આવી રહ્યા છે. આજે ફરી એક નવી ઘટના પ્રકાશમાં આવી છે, જેના કારણે દર્દીઓના સગાઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. માહિતી મુજબ, સિવિલ હોસ્પિટલની લેબોરેટરી પાસે બનાવવામાં આવેલ ઓક્સિજન પ્લાન્ટમાં નાઈટ ડ્યુટીમાં ફરજ પર રહેનાર કર્મચારી પોતાનું કામ નિયત ધોરણે પૂર્ણ કરી શકતા નથી.
એકથી વધુ વખત ઉપરના વિવિધ વોર્ડોમાં ઓક્સિજનની તંગી ઉભી થતી હોવા છતાં પ્લાન્ટનો સ્ટાફ સમયસર હાજર ન રહેતો હોવાનો આક્ષેપ છે. પ્લાન્ટમાં ફરજ પર રહેનાર કર્મચારીને ઘણી વાર બહાર બેસેલા અથવા સુતા હાલતમાં જોવા મળતા હોવાનું દર્દીઓના સગાઓનું કહેવું છે.
આવી બેદરકારીને કારણે જરૂરી સમયે ઓક્સિજન ન મળવાથી કોઈ દર્દીની જાનને જોખમ ઊભુ થઈ શકે છે, એવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના પગલે હોસ્પિટલના ગ્રાઉન્ડ પર દર્દીઓના સગાઓ વચ્ચે ચર્ચા જોર પકડી રહી છે કે– “આવા બેદરકારીભર્યા કર્મચારીને તરત જ ઘર ભેગો કરી દેવામાં આવે અને તેના સ્થાને ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી શકે એવા વ્યક્તિને જવાબદારી સોંપવી જોઈએ.”
દર્દીઓના સગાઓ હોસ્પિટલ સંચાલનને તરત જ પગલાં લેવા અને ઓક્સિજન પ્લાન્ટની કામગીરી સુચારૂ રાખવા માટે યોગ્ય વ્યવસ્થા બનાવવાની માંગ કરી રહ્યા છે.







