ગોધરા નગરપાલિકા દ્વારા બગીચા રોડ સ્થિત સીતાસાગર વોક-વે પરથી ઝાડી-ઝાંખરા દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઇ

પ્રતિનિધી ગોધરા તા.20
નિલેશભાઈ દરજી શહેરા
ગોધરા શહેરના બગીચા રોડ પર આવેલા અને લાખોના ખર્ચે તૈયાર થયેલા સીતાસાગર વોક-વે પર છેલ્લા ઘણા સમયથી ગંદકી અને ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય ફેલાયેલું હતું. શિયાળાની ઋતુ શરૂ થતાં જ નગરજનોને વોકિંગ માટે પડતી મુશ્કેલીને ધ્યાને લઈ ગોધરા નગરપાલિકા પ્રમુખની સીધી સૂચના બાદ આજથી વોક-વેની સફાઈ કામગીરીનો યુદ્ધના ધોરણે પ્રારંભ કરવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો અનુસાર, સીતાસાગર વોક-વે પાલિકા તંત્રની યોગ્ય જાળવણીના અભાવે દુર્દશાનો શિકાર બન્યો હતો. વોક-વેની ચારેબાજુ કાંટાળી વનસ્પતિ ઉગી નીકળવાને કારણે અને અસહ્ય ગંદકી હોવાથી નિયમિત વોકિંગ માટે આવતા સિનિયર સિટીઝન્સ અને અન્ય નાગરિકોએ આવવાનું બંધ કરી દીધું હતું. આ બાબત ગોધરા નગરપાલિકાના પ્રમુખના ધ્યાને આવતા તેમણે પાલિકાના અધિકારીઓ સાથે વોક-વેનું રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું.નિરીક્ષણ દરમિયાન વોક-વેની બદતર હાલત જોઈને પ્રમુખે તાત્કાલિક અસરથી PWD વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને સફાઈ માટે કડક સૂચના આપી હતી. જેના પગલે પાલિકાની ટીમ દ્વારા વોક-વેની આસપાસ ઉગી નીકળેલા ઝાડી-ઝાંખરા દૂર કરવાની અને સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે.





