Rajkot: રાજકોટની એ.જી.ઓફિસ ખાતે “ઓડિટ જાગૃતિ સપ્તાહ”નો શુભારંભ: શપથગ્રહણ-સ્લોગન–નિબંધ સ્પર્ધા યોજાઇ

તા.૨૦/૧૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટની એકાઉન્ટન્ટ જનરલની કચેરી ખાતે આજે “ઓડિટ જાગૃતિ સપ્તાહ”નો શુભારંભ થયો હતો.
ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપપ્રાગટયથી કાર્યક્રમનો શુભારંભ થયા બાદ એકાઉન્ટન્ટ જનરલશ્રી અનુભવ કુમારે સ્વાગત પ્રવચનમાં ઓડિટ જાગૃતિ સપ્તાહ દરમ્યાન યોજાનારા વિવિધ કાર્યક્રમોની રૈપરેખા આપી હતી. અને કચેરીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને ઉત્સાહપૂર્વક વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા અનુરોધ કર્યો હતો.
એડીશનલ ડેપ્યુટી કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલશ્રી એચ.કે.ધર્મદર્શીએ ઉપસ્થિતોને શપથ લેવડાવ્યા હતા. “ઓડિટ જાગૃતિ સપ્તાહ” અન્વયે આજે સ્લોગન સ્પર્ધા તથા નિબંધ સ્પર્ધા યોજાઇ હતી, જેના વિજેતાઓને મહાનુભાવોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. ૨૮મી નવેમ્બર સુધી ચાલનારી આ સાપ્તાહિક ઉજવણી અંતર્ગત ચિત્ર સ્પર્ધા, નિવૃત્ત અધિકારીઓ, સ્ટાફ સાથે સંવાદ કાર્યક્રમ, તિજોરી કચેરીના સ્ટાફ-અધિકારીઓ માટે વર્કશોપ, ઓડિટ વોક, ,ક્વીઝ કોમ્પિટિશન, સ્ટ્રેસ મેનેજમેન્ટ, રંગોળી, આંતરિક વર્કશોપ, એ.જી. કચેરીની કામગીરી અંગે જાગૃતિ લાવવા વિવિધ કોલેજ અને યુનિવર્સિટીમાં કચેરીની ટીમ દ્વારા પ્રેઝેન્ટશન, કાર્યસ્થળે મહિલાઓની જાતીય સતામણીના કાયદા – પોશ એક્ટ અંગે જાગૃતિ કાર્યક્રમ, મેડિકલ કેમ્પ, સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરેનું આયોજન કરાયું છે.
આ શુભારંભ કાર્યક્રમમાં પ્રિન્સિપલ ડાયરેકટર ઓફ લોકલ ગવર્નન્સશ્રી કલ્યાણકુમાર કીર્તનીયા, નાયબ એકાઉન્ટ જનરલ સર્વશ્રી ડેનીશ ડેનિયલ, શ્રી પ્રતીક પાટીલ, શ્રી વી. બાગુલ અને શ્રી નેમારામ તથા એ.જી. કચેરી અને ઇન્ટરનેશનલ સેન્ટર ઓફઓડિટ ઓફ લોકલ ગવર્નન્સ (ICAL)નો સ્ટાફ ઉપસ્થિત રહયા હતા.









