‘બિલ અનિશ્ચિતકાળ સુધી રોકી ન શકાય’, કોર્ટ રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ માટે સમયમર્યાદા નક્કી ના કરી શકેઃ સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેન્ચ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ મોકલેલા 14 બંધારણીય પ્રશ્નો પર આજે પોતાનો અભિપ્રાય રજૂ કરી રહી છે.આ પ્રશ્નોનો સંબંધ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની વટહુકમ પર નિર્ણય લેવાની સત્તા અને સમય-મર્યાદા સાથે છે. અગાઉ સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપ્યો હતો, જેમાં જણાવાયું હતું કે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિએ પસાર કરાયેલા બિલ પર નક્કી કરેલા સમયગાળામાં નિર્ણય લેવો પડશે. આના પગલે, રાષ્ટ્રપતિએ બંધારણીય સીમાઓનું ઉલ્લંઘન થવાની ચિંતા વ્યક્ત કરી હતી, જેના સંદર્ભમાં આ પ્રશ્નો મોકલવામાં આવ્યા છે.
10 દિવસની સુનાવણી બાદ સુરક્ષિત રાખવામાં આવેલા આ ચુકાદાની અસર દેશના સંઘીય માળખા, રાજ્યોના અધિકારો અને ગવર્નરની ભૂમિકા પર ઘણી વ્યાપક રહેશે. કોર્ટ એ સ્પષ્ટતા કરશે કે, શું તે ગવર્નર અને રાષ્ટ્રપતિ માટે સમય-મર્યાદા નક્કી કરી શકે છે અને અનુચ્છેદ 200 અને 201 હેઠળના તેમના નિર્ણયો ન્યાયિક સમીક્ષાના દાયરામાં આવે છે કે નહીં.
રાષ્ટ્રપતિના સંદર્ભ પર નિર્ણય સંભળાવતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, ‘અનુચ્છેદ 200 અને 201 હેઠળ રાજ્યપાલ પાસે ફક્ત ત્રણ જ મૂળભૂત વિકલ્પો રહે છે: બિલને મંજૂરી આપવી, નામંજૂર કરવું (રોકી રાખવું) અથવા રાષ્ટ્રપતિના વિચારણા માટે સુરક્ષિત રાખવું.’ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, પ્રથમ જોગવાઈને ચોથો વિકલ્પ ગણી શકાય નહીં. અદાલતે કહ્યું કે જો બે અર્થઘટન શક્ય હોય, તો તે અર્થઘટન સ્વીકારવું જોઈએ જે બંધારણીય સંસ્થાઓ વચ્ચે સંવાદ અને સહકારની ભાવનાને પ્રોત્સાહન આપે છે.
સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી કે ભારતીય સંઘવાદની કોઈ પણ વ્યાખ્યા હેઠળ એ સ્વીકાર્ય નથી કે રાજ્યપાલ બિલને વિધાનસભાને પરત મોકલ્યા વિના અનિશ્ચિત સમય માટે રોકી રાખે. રાષ્ટ્રપતિ માટે બિલ સુરક્ષિત રાખવું એ પણ સંસ્થાકીય સંવાદનો જ એક ભાગ છે. બંધારણીય પદો પર બિરાજમાન વ્યક્તિઓએ સંઘર્ષ કે અવરોધ ઊભો કરવાને બદલે સંવાદ અને સહકારની ભાવનાને પ્રાધાન્ય આપવું જોઈએ.
કોર્ટે જણાવ્યું કે રાજ્યપાલ કોઈપણ બિલને મંજૂરી આપવાના હેતુથી તેને અનિશ્ચિત સમય સુધી પેન્ડિંગ રાખી શકે નહીં. જોકે, સાથે જ કોર્ટે સ્પષ્ટતા કરી કે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ જેવા બંધારણીય પદાધિકારીઓ માટે નિર્ણય લેવા માટે સમય-મર્યાદા નક્કી કરવી એ સત્તાઓના વિભાજનના સિદ્ધાંતનું ઉલ્લંઘન ગણાશે.
ચીફ જસ્ટીસ બી.આર. ગવઈની અધ્યક્ષતા હેઠળની બેન્ચે તેના અગાઉના ચુકાદાને રદ કર્યો, જેમાં રાજ્યના બિલ પર ત્રણ મહિનાની અંદર નિર્ણય લેવા માટે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને ફરજ પાડવામાં આવી હતી. કોર્ટના મતે, બંધારણીય પદાધિકારીઓ પર કડક સમય-નિર્ધારણ લાગુ કરવું એ ન્યાયતંત્રના અધિકાર ક્ષેત્રની બહારની બાબત છે.
બંધારણીય બેન્ચે રાજ્યપાલના વિવેકાધીન સત્તાની બંધારણીય સીમાઓ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે, બિલને એકતરફી રીતે રોકી રાખવું એ સંઘવાદનું ઉલ્લંઘન ગણાશે. મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈની અધ્યક્ષતા હેઠળની બેન્ચે કહ્યું કે, ‘અનુચ્છેદ 200માં નક્કી કરાયેલી પ્રક્રિયાનું પાલન કર્યા વિના જો રાજ્યપાલ વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલને રોકી રાખે તો તે સંઘીય માળખાના હિતોની વિરુદ્ધ જશે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘ભારત જેવા લોકશાહી દેશમાં રાજ્યપાલ માટે સમય-મર્યાદા નક્કી કરવી એ બંધારણ દ્વારા આપવામાં આવેલી લચીલાપણાની ભાવના સાથે સુસંગત નથી. પીઠે સ્પષ્ટતા કરી કે રાજ્યપાલ પાસે માત્ર ત્રણ જ બંધારણીય વિકલ્પો છે: (1) બિલને મંજૂરી આપવી, (2) બિલને પુનર્વિચાર માટે વિધાનસભાને પાછું મોકલવું, અથવા (3) તેને રાષ્ટ્રપતિ પાસે મોકલવું. રાજ્યપાલ બિલને અનિશ્ચિત સમય સુધી રોકીને કાયદાકીય પ્રક્રિયામાં અવરોધ પેદા કરી શકે નહીં.
સુપ્રીમ કોર્ટે એ સ્વીકાર્યું કે ન્યાયપાલિકા કાયદો બનાવવાની પ્રક્રિયામાં હસ્તક્ષેપ ન કરી શકે, પરંતુ સાથે જ સ્પષ્ટ કર્યું કે, વગર કારણનો અનિશ્ચિત વિલંબ ન્યાયિક તપાસ હેઠળ આવી શકે છે.




