થરાદ શિવનગરમાં દારૂધંધા વિરુદ્ધ મહિલા ઓ રોસે ભરાઈ મેવાણીની થરાદ પોલીસને ચેતવણી

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
થરાદ આજે યોજાયેલી જન આક્રોશ રેલી દરમિયાન વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી થરાદ ખાતે હાજર રહ્યા હતા. આ દરમિયાન શિવનગર વિસ્તારમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ ભેગી થઈ ધારાસભ્યને મળી દારૂના ચાલી રહેલા ગેરકાયદેસર ધંધા અંગે રજુઆત કરી હતી.
શિવનગરની મહિલાઓએ સ્પષ્ટ રીતે આક્ષેપ કર્યો કે રાજ્યના ગૃહ મંત્રી ખુદ કહે છે કે ક્યાંય દારૂનું વેચાણ થાય તો જાણ કરવી, છતાં થરાદ પોલીસની રહેમનજર હેઠળ શિવનગર વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનો ધંધો ફળીભૂત થઈ રહ્યો છે. મહિલાઓએ જણાવ્યું કે અનેક રજૂઆતો છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી.
મહિલાઓની રજુઆત બાદ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી તેમના સાથે સીધી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ત્યાં તેમણે એસ.પી સહિતના તમામ પોલીસ અધિકારીઓને કડક શબ્દોમાં ચેલેન્જ આપતા કહ્યું કે,
“દારૂના ગેરકાયદેસર ધંધા અંગે છ તારીખ સુધી નિરાકરણ આવ્યું જ જોઈએ, નહીં તો હું અહીંયા ધરણા પર બેસીશ અને આ મુદ્દો ઉગ્ર રૂપ ધારણ કરશે.”
મેવાણીની આ ચેતવણી બાદ વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે અને હવે પોલીસ તંત્ર શું કાર્યવાહી કરે છે તેની સૌનામાં નજર છે.




