રેતી ફેલાતા ફરી અકસ્માત: બોડેલી–પીઠા રોડ પર યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી–પીઠા ગામ માર્ગ પર સાઈડમાં પડેલી રેતીના કારણે ગંભીર પ્રકારનો અકસ્માત સર્જાયો છે. પ્રાપ્ત માહિતી મુજબ નવાલજા ગામના યુવક ભાવેશ હૂરસિંગ રાઠવા પોતાની બાઈક પર જોજવા ફેક્ટરી તરફ જઇ રહ્યો હતો. તે દરમિયાન રોડ પર રેતી ફેલાઈ જવાથી બાઈક સ્લીપ ખાઈ ગઈ અને તે રસ્તા પર પટકાઈ જતા ગંભીર ઇજાઓ પહોંચી હતી.અકસ્માત બાદ સ્થાનિક લોકોએ તરત જ બચાવ કામગીરી કરી હતી અને ઇજા પામેલા યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો.સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે આ માર્ગ પર અગાઉ પણ રેતી પડેલી હોવાને કારણે અકસ્માતના બનાવો બન્યા છે, છતાં કોઈ અસરકારક પગલા લેવામાં નથી આવતા. વારંવાર થતા અકસ્માતોને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ અકસ્માત બાદ રેતીનો સ્ટોક રાખનારાઓ દ્વારા તરત જ રોડ પરથી રેતી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.લોકોનો આક્ષેપ છે કે રેતીના સ્ટોક ધારકો અને લીઝ ધરાવતા માફિયા દ્વારા નિયમોનું પાલન કરવામાં આવતું નથી, જેના કારણે રસ્તા પર રેતી ફેલાતી રહે છે અને અકસ્માતના બનાવો સર્જાઈ રહ્યા છે. આ માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ લોકો કરી રહ્યા છે.સ્થાનિકોની માંગ છે કે રસ્તાનું નિયમિત મોનિટરીંગ કરવામાં આવે રોડ પર રેતી, માટી કે કચરો ફેલાય તો તરત દંડની કાર્યવાહી કરવામાં આવે રસ્તા પર પડેલી રેતી જીવલેણ સાબિત થઈ રહી છે અને વારંવાર થતા નાના–મોટા અકસ્માતોને લઈ લોકોને ભારે ચિંતા તેમજ રોશ જોવા મળી રહ્યો છે.
તૌસીફ ખત્રી છોટાઉદેપુર






