શિવમ ચેરિટેબલ ટ્રસ્ટના ‘મિશન ડિફીટ ડાયાબિટીઝ’ને રાષ્ટ્રીય માન્યતા ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમદાવાદ શહેર પોલીસ કર્મચારીઓના આરોગ્ય સુરક્ષા માટે શરૂ કરવામાં આવેલ ‘મિશન ડિફીટ ડાયાબિટીઝ’ કાર્યક્રમને રાષ્ટ્રીય સ્તરે વિશેષ માન્યતા પ્રાપ્ત થઈ છે. ટ્રસ્ટની આ અનોખી અને વ્યાપક આરોગ્ય પહેલને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવી છે. અમદાવાદ મેડિકલ એસોસિએશન હોલ ખાતે યોજાયેલા ખાસ સન્માન સમારોહમાં ટ્રસ્ટને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.
ટ્રસ્ટની આ પહેલનો આધાર “જે રક્ષે છે અમને, તેમના સ્વાસ્થ્યનું રક્ષણ અમે કરીએ” જેવી માનવતાથી ભરપૂર ભાવનામાં છે. પોલીસ જવાનો દિવસ-રાત સમાજની સુરક્ષા માટે પોતાના કુટુંબથી દૂર રહીને સેવા અર્પે છે. તેમની અવિરત ફરજ, તણાવપૂર્ણ કાર્યપરિસ્થિતિ અને અનિયમિત જીવનશૈલીના કારણે વધી રહેલી ડાયાબિટીઝની સમસ્યાને ધ્યાનમાં રાખીને વિશ્વ ડાયાબિટીઝ દિવસે એક વિશાળ અને સુવ્યવસ્થિત મેગા સ્ક્રીનિંગ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ટ્રસ્ટના અધ્યક્ષ ડોક્ટર પ્રકાશ કુમારીએ જણાવ્યું કે અભિયાન અંતર્ગત શહેરના 65થી વધુ પોલીસ સ્ટેશનો તથા ટ્રાફિક પોલીસ યુનિટોને આવરી લેવામાં આવ્યા છે. કુલ 15,000થી વધુ ટેસ્ટ કરવાની યોજના હેઠળ અત્યાર સુધી 6,000 ટેસ્ટ પૂર્ણ થયા છે. માત્ર ડાયાબિટીઝ ચકાસણી પૂરતી ન રહી, પરંતુ પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારને લાંબા ગાળે સ્વસ્થ જીવન તરફ દોરી જવાનો સંકલ્પ આ અભિયાનનું મુખ્ય ધ્યેય છે.
કેમ્પમાં દરેક પોલીસ કર્મચારી માટે મફત બ્લડ શુગર સ્ક્રિનિંગ કરાયા હતા. સાથે જ જરૂરિયાત ધરાવતા કર્મચારીઓ માટે HbA1c, લિપિડ પ્રોફાઇલ, થાઇરોઇડ સહિતની અગત્યની તપાસો મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવી. ડાયાબિટીઝ નિષ્ણાતોની ટીમ દ્વારા પ્રથમ ઓનલાઇન પરામર્શ મફતમાં પૂરો પાડવામાં આવ્યો હતો, જેમાં તેમની જીવનશૈલી, આહાર, કસરત, યોગ તથા સ્ટ્રેસ મેનેજમેન્ટ વિશે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું.
શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ હવે બીજા તબક્કામાં વધુ વ્યાપક ડીપ ટેસ્ટ અને ફોલોઅપ સેવાઓ મફતમાં આપવા માટે પ્રતિબદ્ધ છે. ટ્રસ્ટના જણાવ્યા મુજબ આ અભિયાન માત્ર આરોગ્ય સેવા નહીં, પરંતુ પોલીસ જવાનો પ્રત્યે કૃતજ્ઞતા અને માનની વ્યક્તતા છે. કારણ કે જ્યારે રક્ષક સ્વસ્થ રહેશે ત્યારે જ સમાજ વધુ સુરક્ષિત અને સશક્ત બની શકશે.
ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા મળેલું આ સન્માન ‘મિશન ડિફીટ ડાયાબિટીઝ’ને દેશભરમાં એક પ્રેરણાદાયી અને આદર્શ પહેલ તરીકે સ્થાન અપાવે છે. ટ્રસ્ટનો વિશ્વાસ છે કે પોલીસ વિભાગના સહયોગથી આ અભિયાન ભવિષ્યમાં નવા માપદંડ સ્થાપિત કરશે અને આરોગ્ય ક્ષેત્રમાં સામાજિક જવાબદારીનું મહત્વ વધુ મજબૂત બનાવશે.






