સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની સમસ્યાઓ ઉગ્ર — AAPનો હલ્લાબોલ, સુવિધાઓ સુધારવાની માંગ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પાયાની સુવિધાઓ પણ ન મળતા આમ આદમી પાર્ટીએ તીખો હલ્લાબોલ કર્યો હતો. હોસ્ટેલમાં રહેલા વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવેલી ફરિયાદોને ધ્યાનમાં રાખીને AAPના યુવા નેતા અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટ, પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કર, AAP નેતા જીતુ ઉપાધ્યાય, શુભમ ઠાકર, તારક, આનંદ ગોસ્વામી, રાકેશ મહેરીયા, અનિલ દાફડા, તાલિબ ખાન અને યુનુસ મન્સુરી સહિતના નેતાઓ સમરસ હોસ્ટેલ ખાતે પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓની સ્થિતિ અંગે સ્થળ પર જ તપાસ કરી હતી.
AAP નેતા હિમાંશુ ઠક્કરે જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં શિક્ષણનું સ્તર સતત ઘટી રહ્યું છે. સમરસ હોસ્ટેલ બહારથી ભવ્ય દેખાય છે પરંતુ અંદરથી અત્યંત દયનીય સ્થિતિમાં છે. વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી કે બાથરૂમમાં સ્ટોપરની મરામત માટે મહિનોથી રજૂઆત કર્યા છતાં પણ કોઈ કાર્યવાહિ કરવામાં આવી નથી. ઉપરાંત, વિદ્યાર્થીઓને ફાટેલા દૂધની ચા અને નીચી ક્વોલિટીના ભોજન આપવામાં આવે છે. હિમાંશુ ઠક્કરે સમાજ કલ્યાણ અધિકારીઓને દર મહિને અચાનક મુલાકાત લઈને હોસ્ટેલના વિદ્યાર્થીઓ સાથે ભોજન કરવાનો પણ અનુરોધ કર્યો હતો. કરોડો રૂપિયાના ટેન્ડર હોવા છતાં પણ વિદ્યાર્થીઓને બહાર જમવું પડે છે એ અંગે પણ અસંતોષ વ્યક્ત થયો હતો.
વિદ્યાર્થીઓના હિતોની રક્ષા કરવા AAP શિક્ષણ સેલના પ્રદેશ અધ્યક્ષ જીતુ ઉપાધ્યાયે જણાવ્યું કે 200થી વધુ વિદ્યાર્થીઓએ પાણી, જમવાનું અને સ્વચ્છતા અંગે ફરિયાદ કરી છે. નાયબ નિયામક મિશ્રા સાથે ટેલીફોનિક વાતચીત કરીને તેમને તાત્કાલિક હોસ્ટેલમાં આવીને સ્થિતિ નિહાળવાની માંગણી કરવામાં આવી છે. તેમણે ચેતવણી આપી કે જો મંગળવાર સુધી નાયબ નિયામક આવીને ઉકેલ નહીં લાવે તો તમામ વિદ્યાર્થીઓને લઈને લાલદરવાજા સ્થિત કચેરી ખાતે ધરણા કરવામાં આવશે. ઉપાધ્યાયે જણાવ્યું કે વિદ્યાર્થીઓને ડરાવવામાં આવે છે અને ફરિયાદ પણ નોંધવા દેવામાં આવતી નથી. તેમણે વિદ્યાર્થીઓને ખાતરી આપી કે મુશ્કેલી સમયે તેઓ કોઈ પણ સમયે મદદ માટે હાજર રહેશે.
AAPના પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટે હોસ્ટેલની બી-વિંગની દયનીય સ્થિતિ દર્શાવતા કહ્યું કે ટોયલેટમાં વોશબેસિન છે પરંતુ નળ નથી. ટોયલેટ સીટ નથી, જેટ સ્પ્રે નથી, ડોલ નથી, અને રૂમોમાં ભેજ ભરાઈ રહ્યો છે. આવી અસહ્ય પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ કેવી રીતે રહીને ભણી શકે? ભોજનની ગુણવત્તા પણ ખૂબ ખરાબ છે અને વારંવારની રજૂઆત છતાંય કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. હોસ્ટેલના તમામ રૂમ તથા સુવિધાઓની તાકીદે મરામત કરીને વિદ્યાર્થીઓના આરોગ્ય અને શિક્ષણના હિતમાં યોગ્ય પગલાં લેવાય તે માટે તેમણે સરકારે તાકીદ કરી છે.
AAPના નેતાઓએ જણાવ્યું કે જો સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે અને વિદ્યાર્થીઓના હક્ક માટે તેઓ અંત સુધી લડત જારી રાખશે.




