GODHARAGUJARATPANCHMAHAL

ગોધરાના ગ્રામ્ય વિસ્તારમાં દારૂના રવાડે ચઢેલા સસરાના કારણે સાસુ-વહુ વચ્ચે સર્જાયેલા વિવાદનો 181 ટીમે લાવ્યો સુખદ અંત

 

પંચમહાલ શહેરા

 

નિલેશભાઈ દરજી પંચમહાલ

ગોધરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સાસુ, સસરા અને વહુ વચ્ચેના પારિવારિક કલેશનો 181 અભયમ ટીમે સુખદ ઉકેલ લાવ્યો છે. ચોંકાવનારી બાબત એ હતી કે સાસુ-વહુના ઝઘડાનું મુખ્ય કારણ સસરાનું દારૂનું વ્યસન હતું.

 

પ્રાપ્ત માહિતી મુજબ, ગોધરાના એક ગામમાંથી વૃદ્ધ મહિલાએ 181 અભયમ હેલ્પલાઇનમાં સંપર્ક કરી જણાવ્યું હતું કે તેમની વહુ તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપે છે તેમજ ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપે છે. આ ગંભીર ફરિયાદ મળતા જ 181 ટીમના કાઉન્સેલર એમ.વી. રાઠવા અને તેમની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

 

પ્રાથમિક તપાસ અને પૂછપરછમાં સત્ય સામે આવ્યું હતું કે પીડિતાના પતિએમ.જી.વી.સી.એલ.માં ફરજ બજાવી નિવૃત્ત થયેલા છે. પરંતુ તેઓ નિવૃત્તિ બાદ દારૂના રવાડે ચઢી ગયા હતા. તેઓ નશાની હાલતમાં ઘરમાં આવીને બિભત્સ વર્તન કરતા હતા અને વહુને ગાળો ભાંડતા હતા. ઘરમાં જુવાન દીકરા-દીકરીઓ હોવા છતાં સસરા ભાન ભૂલી તોડફોડ કરતા હતા. વહુની રજૂઆત હતી કે સસરાના આવા વર્તન છતાં સાસુ તેમને વારતા નથી કે સમજાવતા નથી. જેથી આવેશમાં આવીને વહુએ સાસુ સાથે ઝઘડો કર્યો હતો.

 

આ સમસ્યામાં અભયમના કાઉન્સેલરે નિવૃત્ત સસરાને કાયદાનું ભાન કરાવ્યું હતું અને સમજાવ્યું હતું કે તેમના વ્યસનની અસર તેમના પૌત્ર-પૌત્રીના ભવિષ્ય પર પડી રહી છે. ત્યારબાદ સાસુ અને વહુ વચ્ચે સમજાવટ કરી સમાધાન કરાવ્યું હતું. અંતે સસરાએ દારૂ છોડવાની અને વહુએ સાસુનું સન્માન જાળવવાની ખાતરી આપતા પરિવારમાં ફરી શાંતિ સ્થપાઈ હતી.

Back to top button
error: Content is protected !!