TB મુક્ત ગુજરાતની વાતો વચ્ચે, ગુજરાતમાં પ્રતિ કલાકે સરેરાશ 15 વ્યક્તિ ટીબીની ઝપેટમાં આવે છે !!!

ટ્યુબરક્યુલોસિસ (ટીબી) પર નિયંત્રણ મેળવવા માટે સરકારના દાવા અને વાસ્તવિક્તા વચ્ચે જમીન આસમાનનો તફાવત હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. આ વર્ષે જ ગુજરાતમાં ટીબીના 1.18 લાખથી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. આ સ્થિતિએ ગુજરાતમાં પ્રતિ દિવસે 352 અને પ્રતિ કલાકે સરેરાશ 15 વ્યક્તિ ટીબીની ઝપેટમાં આવે છે.
પહેલી જાન્યુઆરીથી 23મી નવેમ્બર 2025 સુધી ટીબીના સૌથી વધુ કેસમાં અમદાવાદમાં ટીબીના 17358 દર્દીઓ નોંધાયા છે. હાલ સ્થિતિ એવી છે કે, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, મોરબી, નર્મદા, પોરબંદર જિલ્લા કરતાં પણ અમદાવાદના દાણીલીમડા,ઘાટલોડિયા, અસારવા, બાપુનગર અને વાસણમાં ટીબીના વધુ દર્દીઓ નોંધાયા છે. તબીબોના મતે અમદાવાદ જિલ્લામાં દર વર્ષે સરેરાશ ચાર હજાર નવા કેસ ટીબીના નોંધાતા હોય છે. ઘરમાં કોઈને ટીબી હોય તો અન્ય સદસ્યોએ ખૂબ જ તકેદારી રાખવી જોઈએ.
ટીબી થઈ હોય તેને અને તેમના પરિવારના સદસ્યોને પૌષ્ટિક આહારથી લઈને કઈ તકેદારી રાખવી તેના અંગે સતત માર્ગદર્શન આપવામાં આવે છે. અમદાવાદ જિલ્લામાં ટીબીથી સાજા થવાનો દર 85થી 88 ટકા જોવા મળે છે. આ વર્ષે અત્યારસુધી ટીબીના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેમાં ઉત્તર પ્રદેશ 6.33 લાખ સાથે મોખરે, મહારાષ્ટ્ર 2.01 લાખ સાથે બીજા અને બિહાર 1.91 લાખ સાથે ત્રીજા સ્થાને છે. ગુજરાતમાંથી સૌથી વધુ કેસ ધરાવતા જિલ્લામાં સુરત બીજું, દાહોદ ત્રીજું જ્યારે વડોદરા ચોથા સ્થાને છે.
વર્ષ ૨૦૨૫માં કયા રાજ્યમાં ટીબીના સૌથી વધુ કેસ?
રાજ્ય કેસ
ઉત્તર પ્રદેશ ૬,૩૩,૧૫૪
મહારાષ્ટ્ર ૨,૦૧,૧૪૦
બિહાર ૧,૯૧,૯૩૭
રાજસ્થાન ૧,૬૦,૭૫૬
મધ્ય પ્રદેશ ૧,૫૪,૪૫૬
ગુજરાત ૧,૧૮,૨૮૧
દિલ્હી ૧ ,૦૨,૯૬૪
દેશમાં કુલ ૨૩,૮૪,૫૦૨
(*૨૩ નવેમ્બર સુધીના કેસ.)





