MORBI:મોરબીના નાની બજારમાં ગટરના ઉભરાતા પાણીથી પ્રજા પરેશાન — તંત્રની બેદરકારી સામે રહેવાસીઓમાં આક્રોશ

MORBI:મોરબીના નાની બજારમાં ગટરના ઉભરાતા પાણીથી પ્રજા પરેશાન — તંત્રની બેદરકારી સામે રહેવાસીઓમાં આક્રોશ
(મોહસીન શેખ દ્વારા મોરબી) મોરબી શહેરના નાની બજાર વિસ્તારમાં આવેલ જૂની પોસ્ટ ઓફિસ રોડ પર છેલ્લા આઠ દિવસથી વધુ સમયથી ગટરના પાણી ઉભરાતા પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. રસ્તા પર સતત ગંદું પાણી ભરાઈ રહેતા સ્થાનિક રહેવાસીઓ તથા દુકાનદારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિકોએ જણાવ્યું કે, ન તો સફાઈ કર્મીઓ આવે છે, ન તો ગટર કાઢવાની ટીમ પહોંચે છે, અને ન તો પાલિકાના અધિકારીઓ આ અંગે કોઈ કાર્યવાહી કરે છે. જેના કારણે વિસ્તારના લોકોમાં ભારે રોષ છે. દુર્ગંધ અને મચ્છરનો ઉપદ્રવ વધી જતાં આરોગ્યની સમસ્યાઓ ઊભી થવાની ભીતિ પણ વ્યકત કરવામાં આવી રહી છે.
વિસ્તારના રહીશોનો સ્પષ્ટ આક્ષેપ છે કે — “તંત્ર માત્ર કાગળ પર સફાઈ બતાવે છે, હકીકતમાં વિસ્તાર ગંદકીથી વીતરાય ગયો છે.” અનેક વખત ફરિયાદ કર્યા છતાં કોઈ ઉકેલ ન આવતા હવે સ્થાનિક લોકો એકતા થઈને નગરપાલિકા સામે હલાબોલ આંદોલન કરવાની ચેતવણી આપી છે.
રહેવાસીઓની માંગ છે કે તાત્કાલિક ગટર લાઈનની સફાઈ કરી ઉભરાતા પાણીનો નિકાલ કરવામાં આવે અને સફાઈ વ્યવસ્થામાં સુધારો લાવવામાં આવે, નહીં તો તેઓ આંદોલનના માર્ગે ઉતરવા મજબૂર બનશે.






