
નર્મદા જિલ્લામાં SIR ડ્રાઇવમાં અત્યાર સુધી ૬૭.૦૧ ટકા ફોર્મ્સ ડિજિટાઈઝ થયા
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં ચાલી રહેલા મતદાર યાદી સુધારણા અભિયાન (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન – SIR) ડ્રાઈવ અંતર્ગત તમામ ૪,૬૯,૪૮૭ મતદારોને એન્યુમરેશન ફોર્મ્સનું ૧૦૦ ટકા વિતરણ પૂર્ણ થયું છે. લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતા અને મતદાર જાગૃતિના સતત પ્રયત્નોના પરિણામે મોટાભાગના મતદારો દ્વારા સ્વપ્રેરિત સહકાર આપવામાં આવ્યો છે.
નર્મદા જિલ્લામાં અત્યાર સુધી ૬૭.૦૧ ટકા તથા કુલ ૩,૧૪,૫૮૪ મતદારોના ફોર્મ્સ બીએલઓ એપ મારફતે સફળતાપૂર્વક ડિજિટાઈઝ થયા છે, જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આવનારા સમયગાળા દરમિયાન બાકી રહેલા મતદારોને પણ ફોર્મ ભરવા અપીલ કરવામાં આવી છે, જેથી કોઇ લાયક મતદાર યાદીથી વંચિત ન રહે…
નર્મદા જિલ્લાના બંને વિધાનસભા મતવિસ્તારોમાં SIR કામગીરીની પ્રગતિ મુજબ ૧૪૮ નાંદોદ વિધાનસભા મતવિસ્તારમાં ૨,૩૮,૨૬૫ મતદારો નોંધાયા છે. જે માટે ૩૦૪ બીએલઓ કાર્યરત કરાયા છે. અત્યાર સુધી ૧,૬૦,૫૧૭ ફોર્મ્સ ડિજિટાઈઝ થયાં છે. બીજી તરફ ૧૪૯ દેડિયાપાડા વિધાનસભા મતવિસ્તારની વાત કરીએ તો ૨,૩૧,૨૨૨ મતદારોમાંથી ૧,૫૪,૦૬૭ ફોર્મ્સ ડિજિટાઈઝ થયાં છે, જે માટે ૩૧૩ બીએલઓ કાર્યરત છે.
નોંધનીય છે કે, જિલ્લા ચૂંટણી અધિકારી તરફથી પ્રાપ્ત આ આંકડાકિય માહિતી પરથી સ્પષ્ટ થાય છે કે, બીએલઓની ટીમે ડોર ટુ ડોર સંપર્ક કરીને તથા ટેક્નોલોજીનો અસરકારક ઉપયોગ કરીને નોંધપાત્ર ડિજિટાઈઝેશન હાંસલ કર્યું છે.
આ તકે, ચૂંટણી તંત્રએ કોઈપણ લાયક મતદારનું નામ મતદાર યાદીમાં સામેલ થવાનું બાકી ન રહે, તે માટે દરેક નાગરિકે પોતાના એન્યુમરેશન ફોર્મ્સ સમયસર ભરવા અને બીએલઓને જરૂરી માહિતી ઉપલબ્ધ કરાવવા અનુરોધ કર્યો છે.




