
રિપોર્ટ : પૂજા ઠક્કર, મુંદરા – કચ્છ.
રાજ્યભરમાં 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ ટેટ-1 આપશે : કચ્છ માટે પરીક્ષા કેન્દ્રની માંગ તેજ
રતાડીયા, તા. 25 : ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓ (ધોરણ 1 થી 5)માં શિક્ષક તરીકે સેવા આપવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી શિક્ષક યોગ્યતા કસોટી – ટેટ-1 માટે આ વખતે રાજ્યભરમાં 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આગળ આવ્યા છે.
ગયા વર્ષ 2023માં કુલ 87 હજાર ઉમેદવારો ટેટ-1 માટે નોંધાયા હતા જેમાંથી માત્ર 2,769 ઉમેદવારે જ સફળતા મેળવી હતી. વધતી માંગ અને શિક્ષકની ખામી પૂરી કરવા આ વર્ષે સંભવિત 21 ડિસેમ્બરના રોજ યોજાનારી પરીક્ષા માટે 14 હજાર જેટલાનો વધારો જોવા મળ્યો છે.
આ પરીક્ષા માટે સામાન્ય રીતે પીટીસી અભ્યાસ પૂર્ણ કરેલા વિદ્યાર્થીઓને જ લાયક ગણવામાં આવ્યા હતા. પરંતુ પીટીસીના બીજા વર્ષમાં અભ્યાસ કરતી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ રાજ્ય પરીક્ષા બોર્ડ પાસે રજૂઆત કરી હતી. તેમના હિતને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે સંવેદનશીલતા દર્શાવતા બીજા વર્ષના વિદ્યાર્થીઓને પણ લાયક ગણવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. જેના કારણે વધારાના 5 હજાર જેટલા વિદ્યાર્થીઓએ પણ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
આ વધારો જોતા સ્પષ્ટ થાય છે કે ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં વધુ નવા શિક્ષકો ઉપલબ્ધ થવાની શક્યતા મજબૂત બની રહી છે. વિદ્યાર્થીઓ તનાવમુક્ત અને સુખદ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે દૂર્ગમ વિસ્તારમાં આવેલા કચ્છ જિલ્લાના વિદ્યાર્થીઓ સતત સ્થાનિક પરીક્ષા કેન્દ્રની માંગણી કરી રહ્યા છે.
સરકાર દ્વારા આ માંગ પર સકારાત્મક નિર્ણય લેવામાં આવશે એવી વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે.




