દેશમાં કડકડતી ઠંડી વચ્ચે વાવાઝોડાનો ખતરો! અમુક રાજ્યોમાં વરસાદની આગાહી !!!

દેશભરમાં હવામાન બદલાઈ રહ્યું છે. જેમ-જેમ નવેમ્બર મહિનો પસાર થઈ રહ્યો છે તેમ-તેમ ઠંડી વધી રહી છે. એક તરફ જ્યાં દિવસનું હવામાન સ્વચ્છ અને શુષ્ક રહે છે, જ્યારે ત્યારે બીજી તરફ સાંજ થતાં જ તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરી છે. IMDના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં રચાયેલી એક નવી હવામાન સિસ્ટમ ઝડપથી સક્રિય થઈ રહી છે અને આગામી દિવસોમાં તે મોટા વાવાઝોડાનું રૂપ લઈ શકે છે.
IMDના જણાવ્યા પ્રમાણે મલેશિયા અને સ્ટ્રેટ ઓફ મલક્કા નજીકનું લો-પ્રેશર ક્ષેત્ર હાલમાં ત્યાં જ બન્યું છે અને તેની સાથે જોડાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન 7.6 કિલોમીટરની ઊંચાઈ સુધી એક્ટિવ છે. અનુમાન છે કે, આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને આગામી 24 કલાકમાં દક્ષિણ આંદામાન સમુદ્ર પર ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને ત્યારબાદ આગામી 48 કલાકમાં વાવાઝોડાના રૂપમાં દક્ષિણ બંગાળની ખાડીમાં તીવ્ર થઈ શકે છે. આ સિસ્ટમને સાયકલોન સેન્યાર નામ આપવામાં આવ્યું છે.
આ સાયક્લોનિક સિસ્ટમના પ્રભાવથી તમિલનાડુ, કેરળ, લક્ષદ્વીપ અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી છે. તામિલનાડુમાં 25થી 27 નવેમ્બર સુધી ભારે વરસાદની સાથે 28, 29 અને 30 નવેમ્બરે અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. કેરળ અને માહેમાં 26 નવેમ્બર સુધી ભારે વરસાદની આગાહી છે. આંધ્રપ્રદેશ અને યનમમાં 29 અને 30 નવેમ્બરે ભારે વરસાદની આગાહી છે.




