ઇન્ડોનેશિયાનું જકાર્તા ૪.૨ કરોડની માનવ વસ્તી સાથે વિશ્વનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર બન્યું

ન્યૂયોર્ક,25 નવેમ્બર,2025,
યુનાઇટેડ નેશનના અહેવાલ અનુસાર ઇન્ડોનેશિયાનું પાટનગર જકાર્તા જાપાનના ટોકયો શહેર કરતા આગળ નિકળીને ૪.૨ કરોડની વસ્તી સાથે વિશ્વનું નંબર વન શહેર બન્યું છે. આ અંગે પ્રતિક્રિયા આપતા જર્કાતા સ્થિત રુજાક સેન્ટર ફોર અર્બન સ્ટડીઝના ડિરેકટર એલિસા સુતાનુદજાએ જણાવ્યું હતું કે આ અહેવાલ અંગે શહેરીજનો પહેલાથી જ જાણતા હતા. યુએન દ્વારા હવે પુષ્ટિ થઇ છે કે જકાર્તાની વસ્તી ટોક્યો કરતા વધુ છે. નિષ્ણાતોનું માનવું છે કે જકાર્તાના આડેધડ વિકાસ અને ગીચ વસ્તીથી પડકારો ઉભા થયા છે. સ્થાનિક સરકારો વચ્ચેના નબળા સંકલનના કારણે વધુ વસ્તી અભિશાપ રુપ બની શકે છે. ચોમાસમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થાય છે.
ઉલ્લેખનીય છે કે ટોક્યો છેલ્લા ૨૫ વર્ષથી વસ્તીની દ્વષ્ટીએ વિશ્વમાં ટોચનું સ્થાન ધરાવતું હતું પરંતુ જાપાનમાં ઘટતી જતી વસ્તીની અસર ટોક્યો પર પણ થઇ છે. અહેવાલ મુજબ ટોકયોની વર્તમાન વસ્તી ૩.૩ કરોડ આસપાસની છે. યુએનના ઇકોનોમિક અને સોશિયલ અફેર્સ વિભાગના અભ્યાસ મુજબ ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશનું ઢાકા શહેર ૩.૭ કરોડની વસ્તી સાથે ટોક્યો કરતા પણ આગળ નિકળીને બીજા સ્થાને છે. આમ વર્ષો સુધી વસ્તીમાં નંબર એકનું સ્થાન ધરાવતું ટોક્યો ત્રીજા ક્રમે ખસેડાયું છે. ઢાકા વિશે એવું અનુમાન કરવામાં આવ્યું છે કે વર્તમાન વસ્તી દર જોતા ૨૦૫૦ સુધીમાં તે વિશ્વનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર હશે.
ઉલ્લેખનીય છે કે વિશ્વમાં વધુ વસ્તી ધરાવતા ૧૦ ટોચના શહેરોમાંથી ૯ એશિયા ખંડના છે. એક માત્ર ઇજિપ્તનું પાટનગર કેરો જ નોન એશિયન છે જેનો યુરોપ ખંડમાં સમાવેશ થાય છે. યુએનના અહેવાલ મુજબ ૨૦૨૫માં વિશ્વની ૮.૨ અબજની વસ્તીમાંથી ૪૫ ટકા લોકો શહેરોમાં વસે છે જયારે ૧૯૫૦માં દર ૫ માંથી ૧ વ્યકિત શહેરમાં રહેતી હતી. છેલ્લા ૫૦ વર્ષમાં ૧૦ મિલિયનથી વધુ વસ્તી ધરાવતા શહેરોની સંખ્યા ૪ ગણી વધીને ૩૩ થઇ છે જેમાંથી ૧૯ મેગાસિટી એશિયન દેશોમાં છે. શહેરીકરણને અટકાવવા માટે ગ્રામીણ વિસ્તારોમાં રહેઠાણ,જમીનનો ઉપયોગ અને વિકાસ પર વિશ્વની સરકારોએ ધ્યાન આપવાની આવશ્યકતા છે.
વિશ્વમાં વધુ વસ્તી ધરાવતા ટોચના શહેરો -૨૦૨૫
જકાર્તા – ઇન્ડોનેશિયા ૪.૨ કરોડ
ઢાકા – બાંગ્લાદેશ ૩.૭ કરોડ
ટોક્યો – જાપાન ૩.૩ કરોડ
નવી દિલ્હી -ભારત ૩.૦ કરોડ
શાંઘાઇ – ચીન ૩.૦ કરોડ
ગ્વાગ્ઝુ ચીન ૨.૮ કરોડ
કેરો – ઇજિપ્ત ૨.૬ કરોડ
મનિલા – ફિલિપાઇન્સ ૨.૫ કરોડ
કોલકાતા -ભારત ૨.૩ કરોડ
સિઓલ – દ કોરિયા – ૨.૨ કરોડ


