છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઊંચાપાન ગામે તસ્કરોએ તરખાટ મચાવ્યો બંધ મકાનમાંથી ત્રણ તિજોરી તોડી લાખોની માલમત્તા ચોરી થવાના બનાવમાં ડોગ સ્ક્વોડની મદદથી પોલીસે તપાસ શરૂ કરી છે.બોડેલી તાલુકાના છેવાડે આવેલા ઊંચાપાન ગામમાં ચોરીની ઘટનાઓનો સિલસિલો યથાવત જ રહ્યો છે. શિયાળાની સીઝન સાથે જ તસ્કરો બંધ મકાનોને સરળ નિશાન બનાવી રહ્યા છે.ઊંચાપાન બસ સ્ટેન્ડ વિસ્તારમાં રહેતા શેખ જમીલ ઇસ્માઈલ હાડવૈદના મકાન પર મંગળવારે તસ્કરો ત્રાટક્યા હતા. પરિવાર દરગાહ પર માનતા પૂરી કરવા પાલેજ ગયો હતો ત્યારે તસ્કરોએ રેકી કર્યા બાદ ઘરમાં પ્રવેશ કર્યો.મકાનમાં રાખેલી ત્રણ તિજોરી તીક્ષ્ણ હથિયારો વડે તોડી, તસ્કરો સોનાનો દોરો, એરિંગ, સેટ, પેન્ડલ, બંગડી, પાટલા, પાયલ સહિતના દાગીના અને રોકડ રકમ સહિત લાખોની માલમત્તા લઈને ફરાર થઈ ગયા હોવાનો બનાવ બન્યો હતોકોલ બાદ ડોગ સ્ક્વોડને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યો. ડોગ ઘરના પાછળના બારણેથી સુગંધ લઈને પાછળના ખેતરમાંથી પસાર થઈ ડુંગરવાંટ રોડ સુધી ગયો અને ત્યાં જ અટકી ગયો, જેના આધારે અનુમાન કરવામાં આવી રહ્યું છે કે તસ્કરો ત્યાંથી કોઈ વાહનમાં બેસીને આગળ ભાગ્યાં હશે.ગ્રામજનોએ જણાવ્યું કે છેલ્લા થોડા સમયથી ઊંચાપાન ગામ તસ્કરો માટે આસાન નિશાન બની ગયું છે. વારંવાર થતી ચોરીઓને કારણે લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અવારનવાર બનતી ચોરીની ઘટનાઓ પર નિયંત્રણ લાવી શકાય તે માટે સ્થાનિકો ગામમાં પોલીસ પોઇન્ટ તાત્કાલિક શરૂ કરવાની માગણી કરી રહ્યા છે